Ahead of the Gujarat elections, AAP announced the sixth list of candidates
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ (ANI Photo)

ગુજરાતમાં વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) 15 જૂનથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરશે અને રાજ્યના નાગરિકોને મફત વીજળીની માગણી કરશે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની ભાજપ સરકાર વીજળીના ઊંચા બિલો આપીને લોકો પાસેથી લૂંટ ચલાવે છે.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ૧૫મી જુને આ મુદ્દે કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આવેદન આપીને ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળે તેવી માંગ કરવામાં આવશે. 16મી જૂનથી 24મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના મુદ્દે લોકસંપર્ક કાર્યક્રમ પણ યોજાશે. તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં આપ દ્વારા રેલી, પદયાત્રા, મશાલ યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરી વીજળીના મુદ્દાને લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આપ દ્વારા રાજ્યના નાગરિકોનો અભિપ્રાય જાણવા માગણી પત્રક ભરાવવામાં આવશે. વીજળીના દર મોંઘા છે તે વિશે લોકો પાસેથી જાણકારી લેવામાં આવશે. આગામી સમયમાં સંપૂર્ણ તાકાતથી રાજ્ય સરકાર સામે શક્તિ આંદોલન ચલાવવામાં આવશે. આપની સરકારે દિલ્હીમાં વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા તમામ મહત્ત્વ પૂર્ણ ક્ષેત્રોમાં નાગરિકલક્ષી કામ કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આપના કાર્યાલય ખાતે અગ્રણીઓ ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ ઉપસ્થિત રહ્યા હતા.