(ANI Photo)

મુંબઈમાં ગુરુવારે સતત ચોથા દિવસે મુશળધાર વરસાદ ચાલુ રહ્યો હતો. વણથંભ્યા વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા અને સેન્ટ્રલ રેલવે સ્ટેશન રૂટ પર લોક ટ્રેન સર્વિસમાં વિલંબ થયો હતો. હવામાન વિભાગે 40થી 50 કિમીની ઝડપે પવન સાથે શહેર અને પરાવિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાયા ન હતા, પરંતુ દક્ષિણ મુંબઈમાં મસ્જિદને દીવાલ તૂટી પડતા હાર્બર લાઇન ટ્રેક પરની ટ્રેન સર્વિસને અસર થઈ હતી. દક્ષિણ મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં 82મીમી, જ્યારે પૂર્વ અને પશ્ચિમ સબર્બમાં અનુક્રમે 109 અને 106મી વરસાદ થયો હતો. વરસાદને પગલે અંધેરી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ભારે વરસાદથી પાલઘરમાં પૂરના પાણીમાં બે તણાયા

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લામાં ભારે વરસાદને પગલે બે વ્યક્તિ પૂરના પાણીમાં તણાઇ ગયા હતા અને મકાનનો હિસ્સો ધારાશાયી થતા એક વ્યક્તિને ઇજા થઈ હતી. વરસાદને પગલે પાલઘર તાલુકામાં 31 મકાનોનો નુકસાન થયું હતું. જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં 89.27મીમી વરસાદ પડ્યો હતો. જિલ્લામાં ઇમર્જન્સીના કિસ્સામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને અલગ કરવામાં આવ્યા હતા. દહાણુ તાલુકામાં 51 વર્ષીય રમેશ જન્યા ઘોશે પૂરના પાણીમાં તણાઈ ગયા હતા.