FILE PHOTO: જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્જો આબે. REUTERS/Jorge Silva/File Photo

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર શુક્રવાર, 8 જુલાઈએ નારા પ્રાંતમાં એક કેમ્પેઇન ઇવેન્ટ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આબેને બે ગોળી વાગી હોવાનું અને તેમની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે. ગોળી વાગતા તેમના શરીરમાંથી લોહી વહેવાનું શરુ થઈ ગયું હતું. ગોળી વાગતા જ તેઓ ઢળી પડ્યા હતા. એક 42 વર્ષની વ્યક્તિએ આબે પર ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવે છે.

શિંજો આબેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. ગોળી વાગ્યા પછી શિંજો આબેને હૃદયનો હુમલો આવ્યો હોવાની પણ વિગતો વિવિધ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું.

કેસમાં હુમલાખોર શિંજો આબે પર ગોળીઓ ચલાવ્યા બાદ ત્યાં જ ઉભો રહ્યો હતો, પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. હુમલાખોર પાસેથી પોલીસે બંદૂકનો કબજે કરી હતી. આ 42 વર્ષનો શખ્સ કોણ હતો તે અંગે હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. હુમલો કરવા પાછળનું કારણ શું હતું તે પણ સામે આવ્યું નથી.

67 વર્ષના શિંજો આબે જાપાનની લિબરલ ડેમોક્રિટિક પાર્ટીના નેતા છે. તેઓ 2006-2007 અને 2012થી 2020 સુધી પાર્ટીના વરિષ્ઠ પદ પર પણ રહી ચૂક્યા છે. 21 સપ્ટેમ્બર 1954માં જન્મેલા શિંજો આબે 26 ડિસેમ્બર 2012થી 16 સપ્ટેમ્બર 2020 દરમિયાન દેશના વડાપ્રધાન પદ પર રહ્યા હતા.