ભારતના બિલિયોનેર ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાની આગેવાની હેઠળ અકાસા એરને ગુરુવાર (7 જુલાઇ)એ એવિયેશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવલ એવિયેશન (ડીજીસીએ) પાસેથી એર ઓપરેટ સર્ટિફિકેટ (એઓસી) મળ્યું હતું અને આ નવી એરલાઇન કંપની આ મહિનાના અંત સુધીમાં તેની વિમાન સેવા ચાલુ કરશે. વિનય દુબે અને આદિત્ય ઘોશ જેવા ભારતના એવિયેશન ક્ષેત્રના દિગ્ગજો આ એરલાઇનના બોર્ડમાં સભ્ય છે. અકાસા એર ટૂંકસમયમાં બે બોઇંગ 737 મેક્સ વિમાનો સાથે કોમર્શિયલ ઓપરેશન ચાલુ કરશે.
અકાસા એર ભારતની પાંચમી બજેટ એરલાઇન છે. હાલમાં ઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોફર્સ્ટ, એરએશિયા ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ એવિયેશન સર્વિસ પૂરી પાડે છે. અકાસાના સ્થાપક સીઇઓ વિનય દુબેએ જણાવ્યું હતું કે રચનાત્મક ગાઇડન્સ માટે અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએનો આભાર માનીએ છીએ. અમે હવે જુલાઇના અંત ભાગમાં કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ કરવા માગીએ છીએ. તેનાથી ભારતની સૌથી વધુ પર્યાવરણલક્ષી, સૌથી વધુ ભરોસાપાત્રા અને સૌથી એફોર્ડેબલ એરલાઇનના પ્રવાસનો પ્રારંભ થશે.
કંપનીએ 21 જૂન 2022ના રોજ પ્રથમ બી773 મેક્સ વિમાન મેળવ્યું હતું. બે વિમાનો સાથે તે કોમર્શિયલ ઓપરેશન ચાલુ કરશે અને દર મહિને તેના વિમાન કાફલામાં વધારો થશે. 2022-23ના નાણાકીય વર્ષના અંત સુધીમાં વિમાનની સંખ્યા વધીને 18 થશે. આ પછી દર મહિને 12થી 14 વિમાનોની ડિલિવરી મળશે. પાંચ વર્ષમાં તેના વિમાનની સંખ્યા 72 થવાનો અંદાજ છે.











