Sir Starmer
Sir Keir Starmer, Labour Leader (Photo by Hollie Adams/Getty Images)

યુકેમાં વિરોધ પક્ષોએ બોરિસ જૉન્સનના રાજીનામાનું સ્વાગત કર્યું છે. વિપક્ષી લેબર પાર્ટીએ જૉન્સનની આગેવાની હેઠળની ટોરી સરકારના અંત બદલ આનંદી પ્રતિક્રિયા આપી તેને “દેશ માટે સારા સમાચાર” જાહેર કર્યા હતા.

લેબર લીડર સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે  “દેશ માટે સારા સમાચાર છે કે બોરિસ જૉન્સને વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. પરંતુ તે લાંબા સમય પહેલા થવું જોઈએ. તેઓ હંમેશા ઓફિસ માટે અયોગ્ય હતા. તેઓ મોટા પ્રમાણમાં જૂઠાણા, કૌભાંડ અને છેતરપિંડી માટે જવાબદાર છે. અને જે લોકો તેમાં સંડોવાયેલા છે તેમને શરમ આવવી જોઈએ. સૌથી ખરાબ કટોકટી દરમિયાન ટોરી પાર્ટીએ દેશ પર અરાજકતા ફેલાવી છે અને હવે તેના શમનનો ડોળ પણ કરી શકતા નથી. તેઓ 12 વર્ષથી સત્તામાં છે. તેમણે કરેલું નુકસાન ગંભીર છે.’’

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ટ્વીટ કર્યું હતું કે “રાહતની વ્યાપક લાગણી થશે કેમ કે “અરાજકતા”નો અંત આવી રહ્યો છે.

લિબરલ ડેમોક્રેટ ડેપ્યુટી લીડર ડેઝી કૂપરે જણાવ્યું હતું કે ‘’જૉન્સનને ઇતિહાસમાં જૂઠું બોલનાર અને કાયદા તોડનાર વડા પ્રધાન તરીકે જોવાશે, જેમણે બ્રિટિશ લોકોના વિશ્વાસ અને ધીરજનો દુરુપયોગ કર્યો હતો. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટી પર એક ડાઘ છોડી જશે જેને દૂર કરી શકાશે નહિં.”