Prime Minister Boris Johnson (Photo by Toby Melville-WPA Pool/Getty Images)

બે વખત લંડનના મેયર તરીકેનું પદ સંભાળનાર અને કોન્ઝર્વેટીવ પાર્ટીને 2019ની સામાન્ય ચૂંટણાં અભૂતપૂર્વ જીત અપાવી દેશને બ્રેક્ઝીટ અપાવનાર બોરિસ જૉન્સનને પોતાની જ સંખ્યાબંધ ભૂલોને કારણે પોતાનું ગરિમાભર્યું પદ છોડવાનો સમય આવ્યો હતો.

2015થી લંડનના અક્સબ્રિજ અને સાઉથ રાયસ્લીપના 58-વર્ષીય કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોરિસ જૉન્સને જુલાઇ 2019માં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો હતો. ભૂતપૂર્વ પત્રકાર અને કટારલેખક જૉન્સન તત્કાલીન વડા પ્રધાન થેરેસા મે સામે આવી જ રીતે બળવો કરીને વડા પ્રધાન બન્યા હતા. થેરેસા મેની કેબિનેટમાં ફોરેન સેક્રેટરી તરીકે ફરજ બજાવતા બ્રેક્ઝિટીયર જૉન્સને યુરોપિયન યુનિયન (EU) સાથેના બ્રેક્ઝિટ ડીલના વિરોધમાં પોતાનું પદ છોડી ડીલનો વિરોધ કરતાં ટોરી પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી શરૂ થઈ હતી. ડિસેમ્બર 2019માં ત્વરિત સામાન્ય ચૂંટણીમાં બ્રિટિશ મતદારોએ તેમના પક્ષને પ્રચંડ જનાદેશ આપી બ્રેક્ઝિટ પૂર્ણ કરવા જોરદાર બહુમતી આપી હતી.

તે સમયે કન્ઝર્વેટિવ પાર્ટીમાં સખત બ્રેક્ઝિટ ફેસ તરીકે જૉન્સને બ્રિટનને ડીલ સાથે અથવા ડીલ વગર EUમાંથી બહાર કાઢવાનું વચન આપ્યું હતું. જાન્યુઆરી 2020ના અંતમાં બ્રિટનને ઔપચારિક એક્ઝિટ માટે સોદો કર્યો હતો. જો કે આ ડીલ નોર્ધર્ન આયર્લૅન્ડ પ્રોટોકોલ બાબતે વિવાદમાં ઘેરાયેલું છે.

જૉન્સને સત્તા સંભાળ્યા બાદ ટૂંક સમયમાં જ કોવિડ-19 વૈશ્વિક રોગચાળાનો સામનો કરવો પડ્યો હતો. માર્ચ 2020માં કોરોનાવાઇરસનો ભોગ બન્યા બાદ તેમને લંડનની NHS હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા હતા. કમનસીબે ચેપના ફેલાવાને અંકુશમાં લેવા માટે સંપૂર્ણ લોકડાઉન લાવવામાં વિલંબને કારણે તેમજ લોકડાઉન નિયમોનો ભંગ કરતી પાર્ટીઓ બદલ તેમની વ્યાપક ટીકા થઇ હતી. જો કે દેશને કોવિડની રસી મળે તે માટે તેમના પ્રયત્નો બેમિસાલ હતા.

લંડનના બે વખત મેયર રહી ચૂકેલા જૉન્સનનો વિવાદ અને ટીકાએ ક્યારેય પીછો છોડ્યો ન હતો. પછી ભલેને તે તેમના અંગત જીવન, કથિત લગ્નેત્તર સંબંધો હોય અથવા તેમની રાજકીય ભૂલો અંગે હોય.

વડા પ્રધાન તરીકે તેમને સૌથી વધુ નુકસાન તેમની ડાઉનીંગ સ્ટ્રીટમાં કોવિડ લોકડાઉન દરમિયાન યોજાયેલી પાર્ટીઓના કારણે થયું હતું જે હવે પાર્ટીગેટ તરીકે જાણીતું બન્યું છે. તેમને 19 જૂન, 2020ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટના કેબિનેટ રૂમમાં જન્મદિવસની પાર્ટી માટે સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કૌભાંડ બદલ તેમને સંસદમાં વારંવાર માફી માંગવી પડી હતી. જેના માટે પક્ષના બેકબેન્ચર્સે અવિશ્વાસનો મત માંગ્યો હતો જે તેમના મંત્રીમંડળના સમર્થનને કારણે પાતળી બહુમતીથી જીત્યા હતા.

હાલ સસ્પેન્ડ કરાયેલા ભૂતપૂર્વ ટોરી ડેપ્યુટી ચીફ વ્હીપ, ક્રિસ પિન્ચર સામે જાતીય ગેરવર્તણૂકના આરોપો હોવા છતા તેમની નિમણૂક કરવાના નિર્ણયના કારણે જૉન્સન તકલીફમાં મૂકાયા હતા. ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા આ બાબતે મિશ્ર સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા અને મિનિસ્ટર્સને જૉન્સનનો બચાવ કરવા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જેના કારણે જૉન્સનની  પ્રતિષ્ઠા પર જીવલેણ ફટકો પડ્યો હતો. આ અંગે તેમને ફરીથી પાર્લામેન્ટમાં માફી માંગવી પડી હતી.

જૉન્સનની પ્રતિષ્ઠાને તેમના સલાહકાર કમિંગ્સ, પ્રીતિ પટેલના હોમ ઓફિસના વહીવટ, રવાન્ડા ફ્લાઇટ્સ અને અન્ય બાબતે ધક્કો લાગ્યા જ કર્યો હતો. પરંતુ પિન્ચરની નિમણુંક કરવાની તેમની ગેરસમજ એક રાજકીય ભૂલ સાબિત થઈ હતી અને તેમને ડાઉનિંગ સ્ટ્રીટમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી.