Pollutions in India

અમેરિકાસ્થિત સંશોધન સંસ્તા હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ (એચઇઆઇ)ના તાજેતરના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2010થી 2019 સુધી 2.5 પાર્ટિકલ પોલ્યુટન્ટ (પીએમ) ધરાવતા વિશ્વના 20 શહેરોમાં ભારતના 18 શહેરોનો સમાવેશ થાય છે.

સંસ્થાને વિશ્વના સાત હજારથી વધુ શહેરોમાં અભ્યાસ કર્યા પછી તાજેતરમાં રીપોર્ટ પ્રકાશિક કર્યો હતો. આ રીપોર્ટમાં વાયુ પ્રદૂષણ અને વૈશ્વિક આરોગ્ય અસરોના વ્યાપક અને વિસ્તૃત વિશ્લેષણને આધારે તેમાં દાવો કરવામાં આવ્યો છે.

રીપોર્ટ પ્રમાણે વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાં દિલ્હીમાં પીએમ ૨.૫નો સરેરાશ સ્તર સૌથી વધુ છે. એર ક્વાલિટી એન્ડ હેલ્થ ઇન સિટીઝ નામના આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અભ્યાસમાં સામેલ કરાયેલા 7239 શહેરોમાંથી પીએમ ૨.૫ પ્રદૂષણને કારણે 2019માં 17 લાખ લોકોનાં મોત થયા છે.

આ ઉપરાંત એશિયા, આફ્રિકા અને પૂર્વ અને મધ્ય યુરોપના શહેરોમાં આરોગ્ય પર તેની સૌથી વધુ અસર જોવા મળી છે. ભારત અને ઇન્ડોનેશિયામાં પીએમ 2.5 પ્રદૂષણમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે.

ચીનમાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. રીપોર્ટ મુજબ પીએમ 2.5 પ્રદૂષણમાં સૌથી વધુ ઘટાડાવાળા 20 શહેર ચીનમાં છે.

2019માં સૌથી વધુ વસ્તીવાળા એવા શહેરો કે જ્યાં પીએમ ૨.૫ પ્રદૂષણને કારણે સૌથી વધુ લોકો બીમાર થયા હતા તેવા ટોચના દસ શહેરોમાં દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે. દિલ્હી અને કોલકાતામાં 2019માં પ્રતિ એક લાખની વસ્તી અનુક્રમે 106 અને 99 લોકોના મોત પ્રદૂષણને કારણે થયા હતાં.