વિધાનસભા
ગુરુવારે પટનામાં બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા દરમિયાન મતદાન કર્યા પછી, આરજેડી નેતા તેજસ્વી યાદવ તેમના પરિવાર (@yadavtejashwiX/ANI Photo)

બિહાર વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કા માટે 121 બેઠકો પર ગુરુવાર, 6 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સાંજ 5 વાગ્યા સુધી આશરે 60 ટકા મતદાન થયું હતું. મતદાનની ટકાવારીમાં હજુ વધારો થવાની શક્યતા છે, કારણ કે ચૂંટણી પંચે અંતિમ આંકડા જારી કર્યા ન હતાં. આની સામે રાજ્યમાં 2020 વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 55.68% મતદાન થયું હતું.

પ્રથમ તબક્કાની ચૂંટણીના અંતે વિપક્ષી ઇન્ડિયા બ્લોકના મુખ્યપ્રધાનના ચહેરા તેજસ્વી યાદવ, રાજ્યના બે ડેપ્યુટી મુખ્યપ્રધાનો સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત કુલ 1,314 ઉમેદવારોના રાજકીય ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં સીલ થયા હતાં.

તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી હેટ્રિક મારવા માગે છે. તેમના મુખ્ય હરીફ ભાજપના સતીશ કુમારે 2010માં JD(U)ના પ્રતીક પર ચૂંટણી લડતી વખતે તેમની માતા રાબડી દેવીને હરાવ્યાં હતાં. આ બેઠક પર હાઈ-વોલ્ટેજ સ્પર્ધા થવાની ધારણા હતી, કારણ કે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે તેઓ તેજસ્વીને તેમના ગઢમાં પડકારશે. જોકે તેમણે પછીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો અને તેમની પાર્ટીએ ઓછા લોકપ્રિય ઉમેદવાર ચંચલ સિંહને ટિકિટ આપી હતી.

મહુઆ બેઠક પર લાલુ પરિવારથી અલગ થયેલા તેજસ્વીના ભાઈ તેજ પ્રતાપ મેદાનમાં છે. તેજ પ્રતાપે જનશક્તિ જનતા દળ નામની નવી પાર્ટી બનાવી છે. જોકે તેમની બેઠક પર બહુકોણિય જંગ ખેલાશે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદના મોટા પુત્ર આરજેડીના વર્તમાન ધારાસભ્ય મુકેશ રૌશન પાસેથી બેઠક છીનવી લેવા માંગે છે. જોકે NDAના ઘટક પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ઉમેદવાર સંજય સિંહ અને 2020ના રનર-અપ અપક્ષ આશ્મા પરવીનની ઉમેદવારીની કારણે બેઠક પર રસપ્રદ જંગ જોવા મળ્યો હતો.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન નીતિશ કુમાર સરકારના ઘણા મંત્રીઓના ભાવિનો પણ મતદારોએ ફેંસલો કર્યો હતો. તેમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાનો સમાવેશ થાય છે. વિજય કુમાર સિંહા કોંગ્રેસના અમરેશ કુમાર અને જન સુરાજ પાર્ટીના સૂરજ કુમારને હરાવીને સતત ચોથી મુદત માટે લખીસરાયને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

વિધાન પરિષદમાં સતત બીજા ટર્મમાં ચૂંટાયેલી સમ્રાટ ચૌધરી આશરે એક દાયકા પછી તારાપુરથી સીધી ચૂંટણી લડી રહ્યાં છે. જો તેમને વિજય મળશે તો ભાજપમાં તેમનું સ્થાન વધુ મજબૂત બનશે.

LEAVE A REPLY