કોરોના મહામારી સંબંધિત તમામ નિયંત્રણો નાબૂદ થયા પછી બે વર્ષે ભારતભરમાં લોકોએ ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. દેશમાં આ વખતે મોંઘવારી હોવા છતાં લોકોના ઉત્સાહમાં કોઇ ઘટાડો દેખાતો ન હતો.
દેશના તમામ રાજ્યોની મહત્વની ઈમારતો, ઘરો અને સ્મારકો દિવડાંના પ્રકાશ અને રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યાં હતાં. લોકોએ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ એકબીજાને દિવાળીની શુભેચ્છા આપી મીઠાઈ અને ભેટની આપ-લે કરી હતી.

પ્રેસિડન્ટ દ્રૌપદી મૂર્મુ, વાઇસ પ્રેસિડન્ટ જગદીપ ધનખડ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવી તમામ નાગરિકોની સુખાકારી, તંદુરસ્તીની કામના કરી દેશમાં ભાઈચારો અને સૌહાર્દ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી. અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગીલમાં દેશની આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પંજાબની અટારી-વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ પાકિસ્તાની સેનાના જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળી મનાવી હતી.

બંને દળોના અધિકારીઓએ એકબીજા સાથે હાથ મિલાવી વાતચીત કરી હતી. બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ જમ્મુ-કાશ્મીરના સાંબા, કઠુઆ, આર એસ પુરા અને અખનૂર સહિત કેટલાક અન્ય સરહદી પોઇન્ટ પર પણ મીઠાઇની આપ-લે કરી હતી.

LEAVE A REPLY

eleven − one =