(ANI Photo)

ટી-20 વર્લ્ડ કપમાં બુધવારે વરસાદના વિધ્ન સાથેની મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે પાંચ રને રોમાંચક વિજય નોંધાવ્યો હતો. બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી ભારતે નિર્ધારીત 20 ઓવરમાં છ વિકેટે 184 રન નોંધાવ્યા હતા. વરસાદને કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151નો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદને કારણે બાંગ્લાદેશની ઈનિંગ્સની ઓવર્સ ઘટાડી દેવામાં આવી હતી.

આ ટાર્ગેટનો પીછો કરતાં બાંગ્લાદેશે સાત ઓવરમાં વિના વિકેટે 66 રન ફટકાર્યા હતા. લિટન દાસે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પછી વરસાદનું વિઘ્ન આવ્યું હતું. વરસાદ બાદ ફરીથી મેચ શરૂ થયા બાદ ભારતીય ટીમે વળતો પ્રહાર કર્યો હતો પરંતુ અંતિમ બોલ સુધી બાંગ્લાદેશે લડત આપી હતી. બાંગ્લાદેશ 16 ઓવરમાં 145 રન નોંધાવી શક્યું હતું.

બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા બે રન નોંધાવીને આઉટ થયો હતો. ત્રણ મેચમાં ફ્લોપ રહેલા રાહુલે આ મેચમાં 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 50 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. તેને વિરાટ કોહલી સાથે 105 રનની ભાગીદારી નોંધાવી હતી.

રાહુલના આઉટ થયા બાદ કોહલીએ સૂર્યકુમાર યાદવ સાથે મળીને ઈનિંગ્સને આગળ ધપાવી હતી. કોહલીએ અંત સુધી એક છેડો જાળવી રાખ્યો હતો. સૂર્યકુમાર યાદવે 16 બોલમાં ચાર ચોગ્ગા સાથે 30 રન ફટકાર્યા હતા. કોહલીએ 44 બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 64 રનની અણનમ રહ્યો હતો. અશ્વિને અણનમ 13 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે હસન મહેમૂદે ત્રણ અને શાકિબ અલ હસને બે વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશ સામે 185 રનનો લક્ષ્યાંક હતો. નજમુલ હુસૈન શાન્ટો અને લિટન દાસની જોડી ઓપનિંગમાં આવી હતી. લિટન દાસે શરૂઆતથી જ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે ફક્ત 21 બોલમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. બાંગ્લાદેશની ઈનિંગ્સની સાત ઓવર પૂરી થઈ ત્યારે વરસાદ આવ્યો હતો. જો વરસાદના કારણે ત્યારપછી મેચ ન રમાઈ હોત તો બાંગ્લાદેશ જીતી ગયું હોત કેમ કે તે ડકવર્થ લૂઈસ પ્રમાણે ત્યારે 17 રનથી આગળ હતું. જોકે, વરસાદ બંધ થયા બાદ રમત ફરીથી શરૂ થઈ હતી અને બાંગ્લાદેશ સામે 16 ઓવરમાં 151 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ બે-બે તથા મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

5 × 4 =