પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલા કુલ 1,621 ઉમેદવારોમાંથી 456 અથવા 28 ટકા ઉમેદવારો ‘કરોડપતિ’ છે. આ ઉમેદવારોએ ₹1 કરોડ કે તેથી વધુ સંપત્તિ જાહેર કરી છે, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ સોમવારે જણાવ્યું હતું.

ADR અહેવાલમાં જણાવાયું છે કે 154 ‘કરોડપતિ’ ઉમેદવારો સાથે આ યાદીમાં ભાજપ ટોચ પર છે, ત્યારબાદ કોંગ્રેસના 142 ઉમેદવારો અને AAPના 68 ઉમેદવારોએ પણ એક કરોડ રૂપિયા કરતાં વધુની સંપત્તિ જાહેર કરી છે. ચૂંટણીના મેદાનમાં રહેલા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ₹2.56 કરોડ છે,

ગાંધીનગરની માણસા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના જયંતિ પટેલ ₹661 કરોડની સંપત્તિ સાથે સૌથી અમીર ઉમેદવાર છે. આ ઉપરાંત સિદ્ધપુરના ભાજપના બળવંત રાજપૂત ₹372 કરોડ સાથે બીજા ક્રમે છે. આમ આદમી પાર્ટી (AAP)ના અજીતસિંહ ઠાકોરે ₹342 કરોડની સંપત્તિ જાહેર કરી છે. તેઓ ડભોઈ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે. આ 89 બેઠકો માટે માટે 788 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 221 ‘કરોડપતિ’ છે.

એડીઆરના અહેવાલ મુજબ, 5 ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 833 ઉમેદવારોમાંથી આવા ઉમેદવારોની સંખ્યા 245 છે. રીપોર્ટમાં જણાવ્યું હતું કે મેદાનમાં રહેલા છ ઉમેદવારોએ “શૂન્ય” સંપત્તિ જાહેર કરી છે, જ્યારે અન્ય છ ઉમેદવારોએ કહ્યું છે કે તેમની સંપત્તિ ₹ 10,000 કરતાં ઓછી છે.

ADR રિપોર્ટ મુજબ સૌથી ધનિક ઉમેદવાર જયંતિ પટેલના માથે ₹233 કરોડની સૌથી વધુ નાણાકીય જવાબદારી પણ છે.અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મની અને મસલ્સ પાવર વચ્ચેની “ગાઢ અને ચિંતાજનક સાંઠગાંઠ” મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતોને નુકસાન કરે છે.

42 ઉમેદવારો અભણ

શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં જોઇએ 42 ઉમેદવારોએ પોતાને અભણ જાહેર કર્યા છે. 85 ઉમેદવારો “માત્ર સાક્ષર” છે, જ્યારે 997 ઉમેદવારોએ કહ્યું છે કે તેઓએ ધોરણ 5-12 વચ્ચે અભ્યાસ કર્યો છે. 449 ઉમેદવારો સ્નાતક છે. વય પ્રોફાઇલ વિશે માહિતી આપતા ADR અહેવાલમાં જણાવાયું છે કે બે ઉમેદવારોની ઉંમર 80 વર્ષથી વધુ છે, 197 ઉમેદવારો 61-80 વર્ષની વચ્ચે છે. 861 ઉમેદવારો 25-40 વય જૂથના સેગમેન્ટમાં આવે છે.

LEAVE A REPLY

11 − nine =