(ANI Photo)

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિક સામે આશરે 1.92 લાખના જંગી માર્જિનથી વિજય થયો હતો. આ બેઠક પર ભૂપેન્દ્ર પટેલનો સતત બીજો રેકોર્ડ વિજય છે.
ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને 2,12,480 મત મળ્યા હતા, જ્યારે તેમના કોંગ્રેસના હરીફ અમીબેન યાજ્ઞિકને 21,120 મત મળ્યા હતા અને AAPના ઉમેદવાર વિજય પટેલ 15,902 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ઘાટલોડિયા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. આ બેઠક પર આશરે 3.70 લાખ મતદાતા છે.

ઘાટલોડિયામાં પટેલ અને રબારી સમુદાયની બહુમતી વસ્તી છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠક તેના નામે અનોખી સિદ્ધિ ધરાવે છે. 2012 અને 2017માં આ બેઠક પરથી ચૂંટાયેલા ઉમેદવાર રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે. 2012માં ભાજપના ઉમેદવાર આનંદીબેન પટેલ 1 લાખથી વધુ મતોના જંગી માર્જિનથી જીત્યા હતા. 2017માં ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના ઉમેદવાર શશિકાંત ભુરાભાઈને 1 લાખ 17 હજાર મતોની સરસાઈથી હરાવ્યા હતા .AAPએ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વિજય પટેલને ટિકિટ આપી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 પ્રધાનોમાંથી 19 પ્રધાનો જીતી ગયા છે. મોટા ભાગનું મંત્રીમંડળ જીતી ગયું હોય એવું કદાચ પહેલીવાર બન્યું હશે. જિતુ વાઘાણી, જિતુભાઈ ચૌધરી, દેવાભાઈ માલમ, ઋષિકેશ પટેલ સહિતના પ્રધાનોનો વિજય થયો હતો. ભૂપેન્દ્ર પટેલ ઓગસ્ટ-2021માં વિજય રૂપાણીની જગ્યાએ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા.

LEAVE A REPLY

19 − 18 =