અમેરિકી ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસની ભારત વિરુદ્ધની કથિત ટિપ્પણીથી ગુસ્સે થઈને, વિશાલ ભારત સંસ્થાન અને મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના સામાજિક કાર્યકરોએ શનિવારે વારાણસીના લામ્હી ખાતે સુભાષ મંદિરની સામે પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું. (ANI ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લોકશાહી પ્રણાલી અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા વૈશ્વિક રોકાણકાર જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહાર કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે સોરોસ વૃદ્ધ, શ્રીમંત, જિદ્દી અને ખતરનાક છે અને તેઓ પોતાનો એજન્ડા ચલાવવા જંગી નાણાનું રોકાણ કરે છે.

અહીં ઉલ્લેખનીય છે કે સોરોસે જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને નરેન્દ્ર મોદીનું ભાવિ એકબીજા સાથે જોડાયેલું છે અને અદાણી ગ્રૂપમાં ઉથલપાથલથી મોદી પણ નબળા પડશે અને ભારતમાં લોકશાહી ફરી બેઠી થશે.

રાયસિના સિડની ડાયલોગમાં એક સેશનમાં પ્રશ્નનો જવાબ આપતા જયશંકરે જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં બેઠેલો હઠીલો વ્યક્તિ હજુ પણ વિચારે છે કે સમગ્ર વિશ્વે તેમના મંતવ્યો મુજબ કાર્ય કરવું જોઇએ. થોડો વર્ષો પહેલા મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં સોરોસે ભારત સામે લાખો મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવાનો આક્ષેપ કર્યો હતો. વિદેશથી દખલગીરી થાય ત્યારે શું થાય છે તેના જોખમો આપણે જાણીએ છીએ. લાખો લોકો નાગરિકતાથી વંચિત થઈ જશે તેવો તમે ભય ફેલાવો ત્યારે વાસ્તવમાં આપણા સામાજિક માળખાને નુકસાન થાય છે.

જયશંકરે જણાવ્યું હતું કે સોરોસ જેવા વ્યક્તિઓ માને છે કે જો પોતાની પસંદગીના વ્યક્તિ ચુંટાઈ આવે તો ચૂંટણી સારી છે. જો ચૂંટણીમાં અલગ વ્યક્તિ ચૂંટાઈ આવે તો માને છે કે લોકશાહીમાં ખામી છે.

અગ્રણી રિયલ એસ્ટેટ કંપની ડીએલએફના વડા કે પી સિંહે જ્યોર્જ સોરોસને પાગલ અને એક વૃદ્ધ ભસતો કૂતરો ગણાવ્યો હતો. સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન મળ્યા છે, જેઓ એક નહીં, પરંતુ બે વાર પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયા છે. તમે કંઈક સારું કરો ત્યારે ઘણા કૂતરા ભસે છે. શું તમે દરેક કૂતરાને જવાબ આપશો? કૂતરાં ભસશે પણ થોડા સમય પછી શાંત થઈ જશે. સોરોસ 92 વર્ષના છે અને ઉંમરની સાથે તેમના વિચારોને અસર થઈ છે. મોદી સરકારના પ્રધાનો અને સત્તાધારી પાર્ટીએ સોરોસને યોગ્ય જવાબ આપ્યો છે. તેમની બકવાસ ટીપ્પણીથી દેશની લોકશાહી કોઇપણ રીતે નબળી પડી શકે નહીં.

LEAVE A REPLY

seven − 7 =