controversial relationships with politicians
ફાઇલ પિક્ચર) બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) નેતા રાઘવ ચઢ્ઢા તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. (ANI Photo)
છેલ્લા થોડાક સમયથી યુવા અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવાન સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળતા મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમની વચ્ચેના સંબંધોની અનેક ચર્ચાઓ વહેતી થઇ છે. હવે કહેવાય છે કે, તે બંને ટૂંક સમયમાં સગાઇ પણ કરી લેશે.
તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં સાથે અભ્યાસ કરતા હતા. બંનેના પરિવારો પણ એકબીજાને ઓળખે છે. પરંતુ જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત આ બંને યુવાઓના સંબંધ કંઇ નવો નથી. અગાઉ અનેક અભિનેત્રીઓ રાજનેતાઓ સાથેના લગ્નના બંધનમાં બંધાઇ છે. ભૂતકાળ પર નજર કરીએ તો અનેક અભિનેત્રીઓ અને રાજકારણીઓ વચ્ચેનાં પ્રેમપ્રકરણો જગજાહેર થયા હતા, જોકે તેમાંથી બહુ ઓછા લગ્નગ્રંથિથી જોડાયાં છે. અભિનેત્રી અને રાજનેતાઓ બંને સેલિબ્રિટી છે, બંને જાહેર જીવન સાથે સંકળાયેલાં છે. તેથી તેઓ સ્વાભાવિક રીતે જ જાહેર સ્થળે સાથે દેખાવાનું તેઓ ટાળે છે. અહીં આવા જાણીતા યુગલોની વાત કરવામાં આવી છે.
વિવાદાસ્પદ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને સમાજવાદી પક્ષ સાથે જોડાયેલા ફહાદ અહમદ સાથે આ વર્ષે ૧૬ ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં છે, તો ‘સોચા ન થા’, ‘ડોર’ની અભિનેત્રી આયેશા ટાકિયાએ મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન સાથે 2009માં લગ્ન કર્યાં હતાં. તેલુગુ અભિનેત્રી નવનીત કૌરે મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિ રાણા સાથે સમૂહલગ્નમાં સાત ફેરા ફર્યા હતા. ત્યારપછી નવનીત કૌર પણ સક્રિય રાજકારણમાં જોડાઈ હતી.

અભિનેત્રીઓ, રાજકારણીઓ સાથે કાયમી સંબંધોના બદલે સામાન્ય રીતે ટૂંકાગાળાની મિત્રતા કરતી હોય છે તેવું વધુ જોવા મળતું હોય છે. જેમ કે, સમાજવાદી પક્ષના અમરસિંહ અને બિપાશા બાસુ વચ્ચેના સંબંધો બહુ ગાજ્યા હતા. બંને વારંવાર તેમના સંબંધોની વાતને રદીયો આપતાં રહ્યાં અને તેઓ વારંવાર સાથે હોટેલોમાં જોવા મળ્યા છે. આ અંગે અમરસિંહ હસીને કહેતા કે, આવું તો ચાલ્યા કરે. પછી તેમનું નામ જયાપ્રદા સાથે પણ જોડાયું હતું.
મહારાષ્ટ્રના રાજકારણી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે અને અભિનેત્રી સોનાલી બન્દ્રે વચ્ચેનું પ્રેમપ્રકરણ દબાવી દેવાના અનેક પ્રયાસો થયા હતા. જોકે, તે બંનેએ પણ તેમના સંબંધને અફવા ગણાવી હતી.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ અને ટીવી એન્કર અમૃતા રાયનું પ્રેમ પ્રકરણની પણ બહુ ચર્ચા હતી. જોકે, અંતે બંનેએ લગ્ન કરી લેતા ચર્ચાનો અંત આવ્યો હતો. જુના જમાનાની વાત કરીએ તો, તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ.જી. રામચન્દ્રન અને અભિનેત્રી જયલલિતા  વચ્ચેના સંબંધો જગજાહેર હતા. પછી જયલલિતા તેમના રાજકીય વારસદાર બન્યાં હતાં.

ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પુત્ર અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કુમારસ્વામી અને તેલુગુ અભિનેત્રી રાધિકા વચ્ચનું પ્રકરણ અચાનક જ જાહેર થયું હતું. વિવાદ બહાર આવ્યો ત્યારે બંનેએ કહ્યું કે અમારાં લગ્ન પણ થઇ ગયાં છે અને એક દીકરી પણ છે. બંનેનાં આ બીજી વારનાં લગ્ન હતાં.
સામાન્ય રીતે અભિનેત્રીઓ અભિનેતા કે ફિલ્મમેકરો સાથે લગ્ન કરતી હોય છે, કેટલીક ક્રિક્ટરો અને અન્ય સ્પોર્ટસમેન કે પછી ઉદ્યોગપતિઓ પર પસંદગી ઉતારતી હોય છે. પતિ તરીકે રાજકરાણીઓને પસંદ કરનારી અભિનેત્રીઓ પ્રમાણમાં ઓછી હોય છે.

LEAVE A REPLY

four × five =