
જૂન મહિનામાં મોટા સ્ટાર્સની ચાર બિગ બજેટ ફિલ્મો આવી રહી છે. જેમાં જવાન, આદિપુરુષ, મૈદાન અને સત્યપ્રેમ કી કથાનો સમાવેશ થાય છે. પઠાણ ફિલ્મની સફળતા પછી શાહરૂખ ખાનનો કોન્ફિડન્સ સાતમા આસમાને છે. શાહરૂખની બીજી ફિલ્મ ‘જવાન’ બીજી જૂને આવી રહી છે અને ત્યારબાદ ૧૬ જૂને પ્રભાસની આદિપુરુષ રિલીઝ થશે. ૨૩મીએ અજય દેવગણની મૈદાન અને ૨૯મીએ કાર્તિક-કિયારાની સત્યપ્રેમ કી કથા આવશે. આ ચાર ફિલ્મોમાં બોલિવૂડના રૂ.૧૫૦૦ કરોડ દાવ પર લાગેલા છે.
જાન્યુઆરી મહિનામાં પઠાણની રિલીઝ સાથે જ બોલિવૂડના દિવસો બદલાયા હોય તેમ બોયકોટનો ટ્રેન્ડ નબળો પડ્યો છે. ઓડિયન્સ પણ ફિલ્મો જોવા માટે થીયેટર છલકાવી રહી છે. જાન્યુઆરીની જેમ જૂન મહિનો પણ મહત્ત્વનો છે. આ ચારેય ફિલ્મોમાં જાણીતા ચહેરા છે. જોકે, આદિપુરુષ અને જવાનના બજેટ સૌથી વધારે છે. આ ચારેય ફિલ્મોની રિલીઝ ડેટ એકબીજા સાથે ટકરાતી નથી, પરંતુ દર અઠવાડિયે નવી ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કેટલાક એક્સપર્ટને આશ્ચર્યજનક લાગે છે. મોટી ફિલ્મને બોક્સઓફિસ પર સતત બે-ત્રણ અઠવાડિયાનો સમય મળતો હોય છે. પરંતુ ચાર ફિલ્મો આવતી હોય ત્યારે બીજા અઠવાડિયે તેમનો ટકરાવ નિશ્ચિત બને છે. ‘પઠાણ’ની જેમ કોઈ ફિલ્મ લાંબો સમય ટકી રહે તો તેની અસર સમગ્ર મહિના દરમિયાન જોવા મળે છે. વળી, જૂન મહિનામાં વેકેશન પણ પૂરું થઈ રહ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં વેકેશન હોય છે. બે ફિલ્મોની રિલીઝ વચ્ચે બે અઠવાડિયાનું અંતર રહ્યું હોત તો દરેકને લાભ થઈ શકે તેવું ફિલ્મ સમીક્ષકો માને છે.
શાહરૂખની ‘પઠાણ’ને મળેલા રિસ્પોન્સને જોતાં ‘જવાન’ને ૫૦૦ કરોડનો બિઝનેસ મળવાનો અંદાજ છે. એ જ રીતે અન્ય ત્રણ ફિલ્મો ૧૫૦-૨૦૦ કરોડનો એવરેજ બિઝનેસ કરી જાય તો આરામથી ૧૦૦૦ કરોડનો આંક પાર થઈ શકે. ‘બાહુબલિ’ની જેમ પ્રભાસની આદિપુરુષ પણ જમાવટ કરે તો ૧૫૦૦ કરોડનો બિઝનેસ માત્ર જૂન મહિનામાં થઈ શકે છે. આદિપુરુષના ટીઝરની મોટાપાયે ટીકા થયા પછી મેકર્સે વીએફએક્સમાં ઘણાં ફેરફાર કર્યા છે. રામનવમીના દિવસે ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં ભગવાન શ્રી રામના રોલમાં પ્રભાસ અને મતા જાનકીના રોલમાં ક્રિતિ સેનન જોઈ શકાય છે. આ પોસ્ટરને મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. પરંતુ, ટીઝર માટે ઊભા થયેલા રોષને ઠારવાની કવાયત આ પોસ્ટરમાં જરૂર જોઈ શકાય છે.
અજય દેવગણની ‘મૈદાન’ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન આધારિત છે. આ ફિલ્મમાં ફૂટબોલ ટીમ માટે જીવન સમર્પિત કરનારા કોચની સ્ટોરી જોવા મળશે. ભોલામાં એક્શન બાદ અજય દેવગણનો સિરિયસ રોલ મૈદાનમાં છે. અજય દેવગણ માટે પણ આ વર્ષ સારું રહ્યું છે. ભૂલભૂલૈયા બાદ કાર્તિકના સિતારા બુલંદી પર છે. કાર્તિક-કિયારાની ‘સત્યપ્રેમ કી કથા’ રિલીઝ થતાં પહેલા રણબીર કપૂરની તુ જૂઠી મૈં મક્કાર હિટ સાબિત થઈ છે. તેના કારણે રોમેન્ટિક ફિલ્મોના હિટ જવાના ચાન્સ વધ્યા છે. આમ, જૂન મહિનામાં આવનારી ચારેય ફિલ્મોના સફળ જવા માટેના મજબૂત પરિબળો છે ત્યારે બોક્સઓફિસ પર કેટલી અસર થાય છે તે જોવું રહ્યું.













