Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning

ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. અમદાવાદ, રાજકોટ અને કચ્છ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં શનિવારે માવઠું થયું હતું. ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડુતો ચિંતામાં મુકાયા હતા. વીજળી પડવાના કારણે પાટણમાં રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું મોત નિપજ્યું હતું.

કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અંજારના રત્નાલ ગામે કરા સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબકતા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામના રસ્તાઓ પર પૂરની માફક પાણી વહેતા થયા હતા.

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાતાવરણમાં બપોરના સમયે અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે કમોસમી વરસાદ વરસતા હારીજ માર્કેટિંગ યાર્ડમાં અફરાતફરી મચી હતી. હારીજ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવેલી ૪૫૦૦થી વધુ બોરી એરંડા સહિતના પાકોની આવક થઈ હતી. જેમાં ૨૫૦૦થી વધુ બોરી ધોધમાર વરસાદના કારણે પલળી જતા વેપારીઓ અને ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણામાં પણ માવઠું થયું હતું.

ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા લોકોએ તો ગરમીમાં રાહત અનુભવી હતી. તો બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

LEAVE A REPLY

16 + twelve =