Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

સુપ્રીમ કોર્ટ ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી અંગે 8મેએ સુનાવણી કરશે. આ ન્યાયિક અધિકારીઓમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યાં હતાં. મેરિટ-કમ-સિનિયોરિટીના સિદ્ધાંતને અવગણના કરાઈને બઢતી અપાઈ હોવાનો અરજદારો દાવો કર્યો છે.

જિલ્લા ન્યાયાધીશોની ઉચ્ચ કેડરમાં 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીના નિર્ણયને સિવિલ જજ કેડરના અધિકારીઓ રવિકુમાર મહેતા અને સચિન પ્રતાપરાય મેહતાએ પડકારી છે. પહેલી મેએ આ અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ એમ આર શાહ અને અહસાનુદ્દીન અમાનુલ્લાની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે વધુ સુનાવણી મંગળવારે નિર્ધારિત કરી હતી. મહેતા અને મેહતા હાલમાં ગુજરાત સરકારના કાનૂન વિભાગમાં અંડરસેક્રેટરી અને સ્ટેટ લિગલ સર્વિસિસ ઓથોરિટીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તેમણે સુરતના સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા સહિત 68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશનને પડકાર્યું છે.

આ બે જ્યુડિશિયલ ઓફિસરની અરજી પર સર્વોચ્ચ અદાલતે 13 એપ્રિલે રાજ્ય સરકાર અને ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને નોટિસ જારી કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રમોશનના નિર્ણયની આકરી ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસ પેન્ડિંગ હોવા છતાં 68 ઓફિસર્સને પ્રમોશન આપવાનો 18 એપ્રિલે આદેશ જારી થયો હતો.

સર્વોચ્ચ અદાલતે 28 એપ્રિલે તેના આદેશમાં જણાવ્યું હતું કે “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પ્રતિવાદીઓ અને ખાસ કરીને રાજ્ય સરકાર હાલની કાર્યવાહીથી વાકેફ હોવા છતાં અને હાલની કાર્યવાહીમાં, આ અદાલતે 28 એપ્રિલ, 2023ના રોજ નોટિસનો જવાબ આપવાની તાકીદ કરી હોવા છતાં રાજ્ય સરકારે 18 એપ્રિલ, 2023ના રોજ પ્રમોશન ઓર્ડર જારી કર્યો છે એટલે કે હાલની કાર્યવાહીમાં આ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસની પ્રાપ્તિ પછી પ્રમોશનનો ઓર્ડર થયો છે. પ્રમોશન ઓર્ડરમાં રાજ્ય સરકારે પણ જણાવ્યું હતું કે તે સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કાર્યવાહીના નિર્ણયને આધિન રહેશે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ મામલો કોર્ટમાં હોવા છતાં અને નોટિસ જારી કરતી વખતે એક વિગતવાર આદેશ પસાર કરાયો હોવા છતાં રાજ્ય સરકારે પ્રમોશનની મંજૂરી આપવામાં અને તેનો આદેશ જારી કરવામાં જે ઉતાવળ કરી તેની અમે કદર કરતાં નથી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે “પ્રથમ દૃષ્ટિએ અમારો અભિપ્રાય છે કે તે કોર્ટની પ્રક્રિયા અને હાલની કાર્યવાહીને ઉપરવટ જાય છે. રાજ્ય સરકારના સચિવને બઢતી આપવા અને 18.04.2023ના રોજ જાહેરનામું બહાર પાડવાની બાબતમાં દર્શાવવામાં આવેલી અસાધારણ અર્જન્સી સમજાવવા દો.

સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ ખાસ જવાબ દાખલ કરવા કહ્યું હતું કે શું પ્રશ્નમાં રહેલા પદ પર પ્રમોશન “સિનિયોરિટી-કમ-મેરિટના આધારે કે મેરિટ-કમ-સિનિયોરિટી આધારે આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી સમગ્ર મેરિટ લિસ્ટનો રેકોર્ડ પણ માંગ્યો હતો.

 

 

LEAVE A REPLY

eighteen − sixteen =