
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 સપ્ટેમ્બરે 75માં જન્મદિવસની ઉજવણી કરવા માટે અમદાવાદમાં સંગીતમય ભવ્ય કાર્યક્રમ ‘નમોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ભાજપ, બાપુનગર સેવા સમિતિ અને GCCI (ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) દ્વારા આયોજન કરવામાં આવેલા આ પ્રોગ્રાકમમાં સાંઈરામ દવે સહિત 150 કલાકાર પરફોર્મ કરશે.
શહેરના બાપુનગર વિસ્તારમાં સોનરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે બુધવારે 17 સપ્ટેમ્બર) યોજાનારા મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોમાં 150 જેટલા કલાકારો દ્વારા સંગીતનો કાર્યક્રમ રજૂ કરાશે. તેમાં મુખ્યપ્રધાન સહિતના વીવીઆઈપી લોકોની ઉપસ્થિતિ રહેશે. શહેર પોલીસે એક એડવાઇઝરી જારી કરીને ટ્રાફિક ડાયવર્ઝનની માહિતી આપી હતી.
પોલીસે વિવિધ રૂટનું ડાયવર્ઝન આપ્યું હતું. 17મી સપ્ટેમ્બરના રોજ બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની પણ જાહેરાત કરી હતી.
અગાઉ રવિવાર, ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ગુજરાતના રાજકોટમાં નરેન્દ્ર મોદીના જીવનયાત્રા પર આધારિત સંગીતમય કાર્યક્રમ “નમોત્સવ”નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મોદીના જન્મસ્થળ વડનગરના બાળપણની અને રેલ્વે સ્ટેશન તેમજ મોદીના માતૃશ્રી હિરાબા અને તેમના પરિવારનું અને તેમનું જીવન કવન અને સંઘર્ષ દર્શાવતા પાત્રોનો અભિનય, હાથી ઉપર બિરાજેલ ભારતીય સંવિધાન, કચ્છની લોક કલા અને કચ્છના વિકાસને વેગ આપતી કૃતિ, ઓપરેશન સિંદૂરની શૌર્ય ગાથા, વર્ણવતી કલાકારોની પ્રસ્તુતિ હજારોની સંખ્યામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને પોતાની જગ્યા ન છોડવા વિવશ અને મજબુર કરી દીધા હતા.
