પ્રતિકાત્મક તસવીર (istockphoto)

હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર ચાલુ વર્ષે ભારત 6,500 હાઈ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (HNWIs) ગુમાવી તેવી શક્યતા છે. હેનલી પ્રાઇવેટ વેલ્થ વિશ્વભરમાં વેલ્થ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશનના ટ્રેન્ડને ટ્રેક કરે છે.

ચાલુ વર્ષે મિલિયોનેર્સની હિજરતના સંદર્ભમાં ચીન ટોપ પર રહેવાની ધારણા છે. ચીનના આશરે 13,500 મિલિયોનેર બીજા દેશોમાં માઇગ્રેટ થાય તેવી શક્યતા છે. આ યાદીમાં ભારત બીજા ક્રમે આવ્યું હોવા છતાં ગયા વર્ષની તુલનામાં ભારતની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. ગયા વર્ષે ભારતના 7,500 મિલિયોનેર માઇગ્રેટ થયાં હતાં.

ન્યૂ વર્લ્ડ વેલ્થના રિસર્ચ હેડ એન્ડ્રુ એમોઈલ્સ જણાવે છે કે  આ કરોડપતિઓની આ હિજરત ખાસ કરીને ચિંતાજનક નથી, કારણ કે ભારત માઇગ્રેશનથી ગુમાવે છે તેના કરતા વધુ નવા કરોડપતિઓ પેદા કરે છે. હેનલી એન્ડ પાર્ટનર્સ અનુસાર, મિલિયોનેર અથવા હાઈ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (HNWIs) એવા લોકો છે કે જેમની રોકાણપાત્ર સંપત્તિ $1 મિલિયન કે તેથી વધુ છે.

હેનલી એન્ડ પાર્ટનર્સના સીઈઓ ડો. જ્યુર્ગ સ્ટીફન કહે છે કે 2023 અને 2024માં અનુક્રમે 1,22,000 અને 1,28,000 કરોડપતિઓ વૈશ્વિક સ્તરે સ્થળાંતર કરે તેવી અપેક્ષા છે. મિલિયોનેર માઈગ્રેશનમાં છેલ્લા એક દાયકામાં સતત વધારો થયો છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટેક્સના આકરા નિયમો જથા બિઝનેસના જટિલ કાયદા તથા તેના દુરુપયોગ અને ખોટો અર્થઘટનને કારણે ભારતમાંથી ધનિકો વિદેશ જવાનું વધુ પસંદ કરે છે.

શ્રીમંત ભારતીય પરિવારો માટે દુબઈ અને સિંગાપોર પસંદગીના સ્થળો છે. દુબઈ સરકાર સંચાલિત વૈશ્વિક રોકાણકાર “ગોલ્ડન વિઝા” પ્રોગ્રામ, અનુકૂળ ટેક્સ સિસ્ટમ, મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ, સુરક્ષા, શાંતિપૂર્ણ વાતાવરણ જેવા પરિબળોને કારણે આકર્ષક છે.

રિપોર્ટમાં આગાહી કરાઈ છે કે 2023માં ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ એટલે કે 5,200 મિલિયોનેર્સ આવશે. UAE આ વર્ષે 4,500 નવા કરોડપતિઓનું સ્વાગત કરશે. 2023માં સિંગાપોરમાં HNWIsનો ચોખ્ખો પ્રવાહ 3,200 થવાની ધારણા છે, જ્યારે US તેના મિલિયોનેર ક્લબમાં 2,100 લોકોને ઉમેરશે. HNWIના પ્રવાહ માટે ટોચના દસ દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ, કેનેડા, ગ્રીસ, ફ્રાન્સ, પોર્ટુગલ અને ન્યુઝીલેન્ડનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY