અગ્રણી આફ્રિકન-અમેરિકન હોલીવુડ અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ન્યૂયોર્ક અને વોશિંગ્ટનમાં પરફોર્મ કરશે. રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ અને ‘ઓમ જય જગદીશ હરે’ના ગાન માટે ભારતમાં અત્યંત લોકપ્રિય બની ચૂકેલી 38 વર્ષની મિલબેન 21મી જૂને યુએન હેડક્વાર્ટરના નોર્થ લૉન પર વડાપ્રધાન મોદી સાથે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભમાં પણ હાજરી આપશે.
“હું યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ કસાબા કોરોસી, (યુએનમાં) ભારતની રાજદૂત (યુએનમાં) રુચિરા કામ્બોજ અને ન્યૂ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સ સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્રથમ કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદીને આવકારવા આતુર છું,” એમ મિલબેને કહ્યું હતું.તેમને 23 જૂને વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે ભારતીય ડાયસ્પોરા કાર્યક્રમ દરમિયાન પરફોર્મ કરવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન આવતા અઠવાડિયે અમેરિકાની મુલાકાતે હોવાથી મને ઘણી અપેક્ષા અને ઉત્સાહ છે. આ મુલાકાત વિશ્વની બે સૌથી મોટી લોકશાહી – અમેરિકા અને ભારતના સંબંધોની ઉજવણી કરે છે અને આજે વિશ્વમાં આ બે દેશોના સંબંધો સૌથી મહત્વપૂર્ણ હોવાનું મિલબેને જણાવ્યું હતું.