વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇને મળ્યા હતાં. . (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર સાથે શુક્રવારે મુલાકાત પછી અગ્રણી ઇન્ટરનેટ કંપની ગૂગલના વડા સુંદર પિચાઈએ ભારતમાં 10 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. તેમણે ગાંધીનગરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT)માં ગૂગલનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની પણ જાહેરાત કરી હતી.

મોદી સાથે મુલાકાત પછી તેમણે જણાવ્યું હતું કે “યુએસની ઐતિહાસિક મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીને મળવું એ સન્માનની બાબત હતી. અમે વડા પ્રધાન સાથે શેર કર્યું હતું કે ગૂગલ ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં USD 10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે.”

ગૂગલના આ પગલાંને કારણે ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં ભારતની નેતાગીરીને માન્યતા મળશે અને આ પગલાં દ્વારા ગૂગલ ભારત, યુએસ તથા દુનિયાભરમાં નાનામોટા બિઝનેસને ટેકો પુરો પાડશે. ડિજિટલ ઇન્ડિયા માટે વડાપ્રધાનનું જે વિઝન છે તે સમય કરતાં આગળ છે. હું તેને અન્ય દેશો શું કરવા માંગે છે તેની બ્લુ પ્રિન્ટ તરીકે જોઉં છું.

ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં ખોલવામાં આવનારાં ફિનટેક ગ્લોબલ ઓપરેશન સેન્ટરમાં જી પે તથા અન્ય પ્રોડક્ટ ઓપરેશન્સને ટેકો આપવા ખાસ કામગીરીઓને અમારી ટીમ્સ દ્વારા હાથ ધરવામાં આવશે. ગૂગલ ભારતમાં ૨૦૦૪થી કામગીરી કરે છે અને પાંચ મહત્વના શહેરોમાં હજારો પ્રતિભાશાળી કર્મચારીઓ ધરાવે છે. ગૂગલની હાલ બેન્ગાલુરૂ, હૈદરાબાદ, ગુરગાવ- દિલ્હી એનસીઆર, મુંબઇ અને પૂણેમાં ઓફિસો આવેલી છે. ગૂગલે ૨૦૨૦માં ભારતની વધતી જતી ભૂમિકાને ધ્યાનમાં રાખી ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડની સ્થાપના કરી હતી. આ ફંડમાં દસ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. આ ફંડ મુખ્યત્વે ચાર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રથમ, દરેક ભારતીયને તેની ભાષામાં માહિતી મળવી જોઇએ. બે, ભારતની ખાસ જરૂરિયાત અનુસાર નવી સેવાઓ વિકસાવવી, ત્રણ, ડિજિટાઇઝેશન ભણી વળી રહેલા બિઝનેસીસને સશક્ત બનાવવા અને ચાર એઆઇ અને ટેકનોલોજીને સામાજિક વિકાસ માટે ઉપયોગ કરવો.

ગિફ્ટ સીટીના સીઇઓ તપન રેએ જણાવ્યું હતું કે ફિનટેકમાં ભારતના વધતાં જતાં પ્રભૂત્વનો પરિચય ગૂગલના ઓપરેશન સેન્ટર સ્થાપવાના નિર્ણય દ્વારા મળે છે. આમાં બંને પક્ષોને લાભ છે. ગિફ્ટ સિટીને ગ્લોબલ ફિનટેક હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં આ પગલું લાંબાગાળે મહત્વનું પુરવાર થશે.

LEAVE A REPLY