કાર્નેગી કોર્પોરેશન ઓફ ન્યૂયોર્કની આ વર્ષની ગ્રેટ ઇમિગ્રન્ટ્સની યાદીમાં વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ અજય બંગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્નેગી કોર્પોરેશન એક પરોપકારી સંસ્થા છે અને તે અમેરિકા અને તેની લોકશાહીને સમૃદ્ધ અને મજબૂત બનાવવામાં યોગદાન આપનારા ઇમિગ્રન્ટનું સન્માન કરે છે. આ વર્ષની ગ્રેટ ઈમિગ્રન્ટ્સની યાદીમાં બંગા એકમાત્ર ભારતીય છે.
કાર્નેગી બુધવારે એક નિવેદન જણાવ્યું હતું કે જૂન 2023માં વિશ્વ બેંકના વડા બનેલા બંગા આ વૈશ્વિક નાણા સંસ્થાનું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય અમેરિકન છે. ચાવીરૂપ હોદ્દા પર 30 વર્ષથી વધુના અનુભવ સાથે, 63 વર્ષીય બંગા ગરીબી અને આબોહવા પરિવર્તનની સમસ્યાના ઉકેલ માટે વિશ્વ બેંકમાં પરિવર્તનકારી નીતિઓની શરૂઆત કરે તેવી અપેક્ષા છે, જેનાથી વિશ્વભરના લોકો માટે તકોનું સર્જન થશે.
બંગાએ ભારતમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે નેસ્લે ઇન્ડિયામાં 13 વર્ષ અને પેપ્સિકોમાં બે વર્ષ ગાળ્યા હતા. 1996માં તેઓ સિટીગ્રુપમાં જોડાયા હતા આખરે એશિયા-પેસિફિક પ્રદેશમાં CEO તરીકે આગેવાની લીધી હતી. બાદમાં યુ.એસ ગયા હતા અને માસ્ટરકાર્ડમાં 12 વર્ષ સુધી પ્રેસિડન્ટ અને સીઇઓની ભૂમિકા ભજવી હતી. આ પછી તેઓ માસ્ટરકાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યાં હતા.
આ વર્ષે કાર્નેગી કોર્પોરેશન 33 દેશોની 35 વ્યક્તિઓનું સન્માન કરશે. આ વર્ષે ગ્રેટ ઇમિગ્રન્ટની યાદીમાં વિયેતનામમાં જન્મેલા એકેડેમી એવોર્ડ વિજેતા અભિનેતા કે હ્યુ ક્વાન, ચિલીમાં જન્મેલા અભિનેતા પેડ્રો પાસ્કલ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ નાઈજીરીયન ન્ગોઝી ઓકોન્જો-ઈવેલા, તાઈવાનમાં જન્મેલા યુએસ કોંગ્રેસમેન ટેડ લીયુ, ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગર અને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર એંગ્લિક કિડજો વગેરેનો સમાવેશ થાય છે.