બોલીવૂડની ફિલ્મોમાં વર્ષોથી દેશનાં વિવિધ રાજ્યોનાં લોકગીતો અને સંસ્કૃતિ આધારિત ગીતો જોવા મળે છે, જેમાં ગુજરાતી ગરબાનો પણ સમાવેશ થાય છે. નવરાત્રિ એટલે ગુજરાતીઓનો જાણીતો તહેવાર. અત્યાર સુધી અનેક ફિલ્મોમાં ગરબા ગીતોનું અદભૂત ફિલ્માંકન કરવામાં આવ્યું છે. કેટલાંક ગીતો સુપરહીટ સાબિત થયા છે. જૂની ફિલ્મોની વાત કરીએ તો “મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ” (સરસ્વતીચંદ્ર), “મૈં તો આરતી ઊતારું રે” (જય સંતોષી મા), “ઓ શેરોવાલી (સુહાગ)” જેવા ગરબા આધારિત ગીતો ખૂબ લોકપ્રિય બન્યા હતા. બે દસકા પહેલાંની ફિલ્મોમાં “ઘુંઘટ મેં ચાંદ હોગા: (ખૂબસુરત), “રાધા કૈસે ન જલે” (લગાન), “ઢોલી તારો ઢોલ બાજે:” (હમ દિલ દે ચૂકે સનમ) જેવા ગરબા સુપરહીટ સાબિત થયા હતા. છેલ્લાં એક દાયકામાં ધૂમ મચાવનાર ગરબામાં “ઉડી ઉડી જાયે” (રઇસ), “શુભારંભ” (કાઇપો છે), “કમરિયા” (મિત્રો). “છોગાળા” (લવયાત્રી)નો સમાવેશ થાય છે.
અગાઉ હિન્દી ફિલ્મોમાં ધૂમ મચાવનારાં ગરબા ગીતોની વાત કરીએ છીએ ત્યારે ‘રામ લીલા’માં દીપિકા પદુકોણનાં ગરબા નૃત્યનો ખાસ ઉલ્લેખ કરવો પડે. સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દિપીકાનું એનર્જેટિક પર્ફોમન્સ હતું. ‘નગાડા સંગ ઢોલ’ અને ‘લહુ મુંહ લગ ગયા’ જેવા ગરબા સિક્વન્સ ચાર્ટબસ્ટર હતા.
સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મોની હીરોઇનોનાં પ્રેઝન્ટેશન માટે જાણીતા છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ‘ઢોલી તારો ઢોલ બાજે’માં ઐશ્વર્યા રાયનાં ગ્રેસફુલ નૃત્ય અને એક્સપ્રેશન્સ કદી ન ભૂલી શકાય. સલમાન ખાન સાથેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ આ ફિલ્મને એવરગ્રીન ક્લાસિક બનાવી દીધી હતી.
ફિલ્મ ‘રઇસ’માં શાહરૂખ-માહિરા ખાન પર ફિલ્માવેલું ‘ઉડી ઉડી જાય’ પણ સુપરહીટ સાબિત થયું હતું. ફિલ્મ ‘રશ્મી રોકેટ’માં ‘ઘણી કુલ છોરી’માં તાપસી પન્નુએ પાવરફુલ પર્ફોમન્સ આપ્યું હતું. સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ‘ગંગુબાઇ કાઠીયાવાડી’માં આલિયા ભટ્ટે ‘ઢોલીડા’ અને ‘ઝૂમે રે ગોરી’ જેવા ગરબા ગીતોમાં અદભૂત ડાન્સ કર્યો હતો. ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મજામાં’ ની કહાની ગુજરાતી પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાથી તેમાં પણ એક ગરબા ગીત હતું. ‘બૂમ પડી’ ગીતમાં માધુરી દિક્ષીતે તેનાં ડાન્સથી દર્શકોને ખુશ કરી દીધા હતા.
આજકાલ કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ગીત ‘સુન સજની’ ધૂમ મચાવી રહ્યું છે. ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી આ ફિલ્મનાં ગરબા ગીતમાં કિયારા અને કાર્તિકની કેમિસ્ટ્રી રંગ જમાવી રહી છે. સૂર-સંગીત સાથે ડાન્સ-રોમાન્સનું આ કોમ્બિનેશન વ્યૂઅર્સને પસંદ પણ આવી રહ્યું છે. પ્રમોશનની આ ટેકનિકને આગળ વધારતાં સત્ય પ્રેમ કી કથાનું નવું સોન્ગ સુનો સજની રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં કાર્તિક અને કિયારા ગુજરાતી સ્ટાઈલમાં ગરબા-દાંડિયાની રમઝટ બોલાવતા નજરે પડે છે.
કાર્તિકને ઓથેન્ટિક ગુજરાતી લૂક આપવા માટે કપડાં પર વિશેષ ધ્યાન અપાયું હતું. સૂત્રો કહે છે કે, કાર્તિક ઓન સ્ક્રિન પ્રથમવાર ગરબા રમી રહ્યો છે. તે બાબતને ધ્યાને રાખીને ગુજરાતી સ્ટાઈલના કેડિયાની પસંદગી કરવામાં આવી છે. તેના લૂકને વધારે અસરકારક બનાવવા માટે કેડિયાનું કાપડ ખાસ કચ્છથી મંગાવવામાં આવ્યુ હતું. આ ગીતમાં કાર્તિકે ગુજરાતી સ્ટાઈલમાં દોઢિયાના સ્ટેપ્સ પણ લીધા છે. સત્ય પ્રેમ કી કથાના ત્રણ ગીત અગાઉ રિલીઝ થયા છે. જેમાં આજ કે બાદ, ગુજ્જુ પટાકા અને નસીબ સે નો સમાવેશ થાય છે. ચોથું ગીત સુન સજની પણ તરત ટ્રેન્ડ થવા લાગ્યુ હતું. ગરબાના તાલ અને ઢોલના ધબકાર ખૂબ પસંદ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કાર્તિક અને કિયારાએ અગાઉ ભૂલ ભુલૈયા 2માં સાથે કામ કર્યું હતું. આ બીજી ફિલ્મ તેઓ સાથે કરી રહ્યા છે. ગુજરાતી પરિવારમાં પાંગરતી પ્રેમ કથાનો આ ફિલ્મમાં સમાવેશ કરાયો છે. ગુજરાતની સંસ્કૃતિ, પહેરવેશ અને લઢણને આ ફિલ્મમાં ઓરિજિનલ સ્ટાઈલમાં રજૂ કરવા માટે પણ તકેદારી રાખવામાં આવી છે. બોલિવૂડમાં લાંબા સમય બાદ મ્યૂઝિકલ રોમેન્ટિક સ્ટોરી આવી રહી છે અને તેના ગીતો પ્રમોશનમાં અસરકારક સાબિત થઈ રહ્યા છે.