અમેરિકાના ટેક્સાસમાં કોવિડ-19 મહામારીના રાહત કાર્યક્રમ સાથે સંકળાયેલી યોજનામાં ભારતીય મૂળના કેટલાક બિઝનેસ માલિકો અને કર્મચારીઓ સહિત 14 જેટલા લોકો પર 53 મિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટેક્સાસના નોર્ધન ડિસ્ટ્રિક્ટ યુએસ એટર્ની લીઘા સિમોન્ટને એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, આ કેસમાં પેન્ડેમિક રીસ્પોન્સ એકાઉન્ટેબિલિટી કમિટી (PRAC) ફ્રોડ ટાસ્ક ફોર્સ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી તપાસ કરવામાં આવી છે. આ આરોપીઓની તાજેતરમાં ટેક્સાસ, કેલિફોર્નિયા અને ઓક્લાહોમામાંથી ધરપકડ કરવામાં આવી હતી, તેવું રીલિઝમાં જણાવવામાં આવ્યું હતું.

સિમોન્ટને જણાવ્યું હતું કે, આ 14 લોકોએ કોવિડ સમયના નાણાકીય કાર્યક્રમ દરમિયાન પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ અંતર્ગત અસંખ્ય નાણાકીય સંસ્થાઓને લોનની કાર્યવાહીમાં 53 મિલિયન ડોલરથી વધુની રકમની કથિત છેતરપિંડી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સરકાર સાથે છેતરપિંડી કરવી એ અમેરિકન કરદાતાઓનું અપમાન છે. મહામારીના સમયે જ્યારે લાખો મહેનતુ ઉદ્યોગસાહસિકો પગાર અને ભાડુ ચૂકવવા માટે માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આવી છેતરપિંડી ઘા પર મીઠુ છાંટવા જેવી બાબત છે.” “આ આરોપીઓએ કથિત રીતે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામમાંથી લાખો ડોલરની ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું – આ ભંડોળથી કાયદેસરના બિઝનેસીઝને તેમના બિલ ચૂકવવામાં અને તેમના કર્મચારીઓ વેતન આપવામાં મદદ થઇ શકી હોત.”

તાજેતરમાં દાખલ કરાયેલા 16 ગુનામાં સનશાઈન રીસાયક્લિંગના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અને મામ્મોથ ગ્રુપના માલિક, આર. એ. ઇન્ડસ્ટ્રીઝ અને એલ.કે. ઇન્ડસ્ટ્રીઝના મિહિર પટેલ, સનશાઇન રીસાયક્લિંગના સંચાલક કિંજલ પટેલ, વેસ્ટ ટેક્સાસ સ્ક્રેપના માલિક પ્રતીક દેસાઈ, ગલ્ફ કોસ્ટ સ્ક્રેપના માલિક અને પ્રેસિડેન્ટ વજાહત ખાન, 4G મેટલ્સના સંચાલક અને માલિક ઓપરેશન્સ ડાયરેક્ટર અને વેસ્ટ ટેક્સાસ ઇક્વિપમેન્ટના ઇમરાન ખાનનો સમાવેશ થાય છે.

NTC ઈન્ડસ્ટ્રીઝના સંચાલક અને પ્રેસિડેન્ટ અને 5G મેટલ્સ અને સનશાઈન રીસાયક્લિંગના માલિક ચિરાગ ગાંધી, સનશાઈન રીસાયક્લિંગના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર અને લેવલ એઇટના માલિક ભાવેશ પટેલ, એલિફન્ટ રીસાયક્લિંગના માલિકો ધર્મેશ પટેલ અને મિત્રા ભટ્ટારાઈ અને NTC ઈન્ડસ્ટ્રીઝના કર્મચારી ભાર્ગવ ભટ્ટ પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે. જેમના પર અલગ આરોપમાં છે તેમાં મૃણાલ દેસાઈ, નેનોસોફ્ટ ટેક્નોલોજીના પ્રેસિડેન્ટ ચિંતક દેસાઈ, એમ્બરીન ખાન અને ઉષા ચાપેઈનનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ કથિત રીતે ઓછામાં ઓછી 29 પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (PPP) લોન માટે અરજીઓ કરી હતી, જેમાં બિઝનેસની આવકને ખોટી રીતે દર્શાવવા માટે પગાર ખર્ચ, બેંક સ્ટેટમેન્ટ્સ અને ઇન્ટરનલ ટેક્સ સર્વિસ ટેક્સ ફોર્મમાં છેતરપિંડી કરીને પછી તેમણે પીપીપી લોન ફંડને અનેક બેંક ખાતાઓમાં જમા કરાવી હતી.

જો આ તમામ લોકો ગુનામાં દોષિત ઠરશે તો તેમને બેંક છેતરપિંડીનું ષડયંત્ર રચવાના, બેંક છેતરપિંડી કરવાના અને તેમાં મદદ કરવાનો તેમ જ ફેડરલ ડીપોઝિટ ઇન્સ્યોરન્સ કમિશન (FDIC)ને ખોટું નિવેદન આપવાના દરેક ગુનામાં 30 વર્ષ સુધીની ફેડરલ જેલની સજા થઈ શકે છે. જેમાં વાયર ફ્રોડ માટે 20 વર્ષ અને મની લોન્ડરિંગનું ષડયંત્ર રચવામાં 10 વર્ષની સજા થઇ શકે છે.

પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામને કોરોના વાઇરસ સહાય, રાહત અને આર્થિક સુરક્ષા અધિનિયમ હેઠળ અધિકૃત કરવામાં આવ્યો હતો, જે કોવિડ-19 મહામારીના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા અમેરિકનોને તાત્કાલિક નાણાકીય મદદ કરવા માટે 29 માર્ચ, 2020 ના રોજ ઘડવામાં આવેલો ફેડરલ કાયદો છે.
આ પ્રોગ્રામમાં પગાર ખર્ચ, ભાડું અને અન્ય કેટલાક નિશ્ચિત બિઝનેસ ખર્ચને ચૂકવવા માટે નાના બિઝનેસીઝને લોન માફી આપવામાં આવી હતી, આ પ્રોગ્રામને મે 2021માં બંધ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY