રશિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ દિમિત્રી મેદવેદેવના અત્યંત ઉશ્કેરણીજનક નિવેદનો પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્ય પ્રદેશોમાં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આવો આદેશ આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે મેદવેદેવ પરમાણુ શસ્ત્રોની વાત કરી રહ્યાં છે, ત્યારે આપણે તૈયાર રહેવું પડશે. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. મેદવેદેવ 2008થી 2012 સુધી રશિયાના પ્રેસિડન્ટ હતાં. તેઓ હાલમાં રશિયાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન છે.
ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મેદવેદેવના અત્યંત ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે તેમણે યોગ્ય પ્રદેશોમાં બે પરમાણુ સબમરીન ગોઠવવાનો આદેશ આપ્યો છે. તે માત્ર મૂર્ખ અને ઉશ્કેરણીજનક નિવેદનો કરતાં પણ કંઇક વિશેષ હોઇ શકે છે. શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણીવાર અણધાર્યા પરિણામો તરફ દોરી શકે છે, પરંતુ મને આશા છે કે આ તે કિસ્સાઓમાંનો એક નહીં હોય.
રશિયા યુક્રેન સાથે યુદ્ધવિરામ નહીં કરે તો નવા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે તેવી ટ્રમ્પે ધમકી આપી હતી અને યુદ્ધવિરામની 50 દિવસની ડેડલાઇનને ઘટાડી 10 દિવસ કરી હતી. ટ્રમ્પની આ ધમકીનો જવાબ આપતા મેદવેદેવે લખ્યું હતું કે ટ્રમ્પ રશિયા સાથે અલ્ટીમેટમની રમત રમી રહ્યાં છે: 50 દિવસ કે 10 દિવસ. ટ્રમ્પે બે વાત યાદ રાખવી જોઈએ. પ્રથમ એ કે રશિયા એ કોઇ ઇઝરાયેલ કે ઈરાન નથી. બીજી એ કે દરેક નવું અલ્ટીમેટમ એક ધમકી અને યુદ્ધ તરફનું એક પગલું છે. આ યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે નહીં, પરંતુ અમેરિકા સાથે.
મેદવેદેવ 2022માં યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ તેમના ઉશ્કેરણીજનક અને ભડકાઉ નિવેદનો માટે જાણીતા છે. મેદવેદેવ વારંવાર પરમાણુ ધમકીઓ આપી ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પર પશ્ચિમી નેતાઓની હાંસી પણ ઉડાવતા રહે છે.
