વિશ્વના ઉત્તર ગોળાર્ધ (નોર્ધન હેમિસ્ફિયર)માં ઉનાળો હજુ શરૂ જ થયો છે ત્યાં આકરી ગરમીનો અનુભવ યુરોપ, ચીન અને અમેરિકાના અનેક વિસ્તારોમાં શરૂ થઇ ગયો છે. અમેરિકાની નેશનલ વેધર સર્વિસે એરિઝોના, કેલિફોર્નિયા, નેવાડા અને ટેક્સાસમાં ખાસ કરીને ખતરનાક પરિસ્થિતિઓની આગાહી સાથે 100 મિલિયનથી વધુ અમેરિકનો માટે ભારે ગરમીની ચેતવણી આપી છે. આ જ સમયે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને પોલેન્ડ સહિતના ઘણા યુરોપિયન દેશો પણ આકરી ગરમી લાગી રહી હતી. સિસિલી અને સાર્ડિનિયા ટાપુઓ પર પારો 48 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો જવાની આગાહી કરવામાં આવી હતી, યુરોપિયન સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે, “યુરોપમાં અત્યાર સુધીનું સૌથી ઉંચું તાપમાન નોંધાઈ ચૂક્યું છે.”

નોર્થ આફ્રિકામાં પણ તીવ્ર ગરમીનો પ્રકોપ અનુભવાયો હતો અને મોરોક્કોના હવામાન વિભાગે દેશના દક્ષિણ ભાગોમાં આકરી ગરમીની ચેતવણી આપી હતી. ચીનમાં પાટનગર બૈજિંગ સહિત કેટલાક પ્રદેશોમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો અને ચીનની એક મોટી પાવર કંપનીએ જણાવ્યું હતું કે, ગત સોમવારે તેનું એક દિવસનું વીજ ઉત્પાદન રેકોર્ડ ઊંચાઈએ સ્તરે ગયું હતું.

અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા મુજબ, ગત જુન મહિનામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.વર્લ્ડ મીટીઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)ના જણાવ્યા પ્રમાણે અતિશય ગરમી સૌથી જીવલેણ હવામાન સંબંધિત ઘટનાઓ પૈકીની એક છે. તાજેતરના એક અભ્યાસના અંદાજ મુજબ ગત વર્ષે યુરોપમાં રેકોર્ડ ગરમીના કારણે ઉનાળામાં 61,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

LEAVE A REPLY