ભારતમાં ૨૨મી જુલાઈની રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે ઉજવણી થાય છે. ગુજરાતમાં આંબાની ખેતી સાથે અંદાજે બે લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. ગુજરાતના અર્થતંત્રમાં કેરીના ઉત્પાદનનો મહત્વનો ફાળો છે. ગુજરાતમાં આ વર્ષની સીઝનમાં અંદાજે રૂ.૨૬,૮૫૦ લાખની કિંમતની કેરીનું એટલે કે ૬.૧૩ લાખ મેટ્રિક ટન કેરીનું વેચાણ થયું છે. જે સમગ્ર દેશમાં થયેલા કેરીના કુલ વેચાણમાં ૭.૧૩ ટકા ફાળો દર્શાવે છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જુદી જુદી જાતોની કેરીઓનું ઉત્પાદન થાય છે. જેમાં કેસર, રાજાપુરી, લંગડો, આમ્રપાલી, હાફુસ, સોનપરી, દશેરી, તોતાપુરીનો સમાવેશ થાય છે. જેમાં સમગ્ર વિશ્વમાં તાલાલા ગીરની કેસર કેરી ખુબ જાણીતી છે, જેની ગુણવત્તાને લીધે વર્ષ ૨૦૧૧માં GI(જીઓગ્રાફીકલ ઇન્ડીકેશન) ટેગનો દરજ્જો મળ્યો હતો, જેનાથી આ કેરીને વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં કુલ ઉત્પાદિત થતી કેરીઓમાંથી ૧૫ ટકા જેટલી કેરીઓ તો દેશના અન્ય રાજ્યોમાં જાય છે. આ ઉપરાંત વિદેશોમાં પણ આ કેરીની મબલખ નિકાસ કરવામાં આવે છે.
અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોગ્રામથી વધુ કેસર કેરીનું ઇ-રેડિયેશન કરી અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવી છે. આ પ્લાન્ટ થકી કેરીની ગુણવત્તાની જાળવણી, બગાડનો અટકાવ તથા પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થાય છે. અગાઉ કેરી જેવા ફળોનો નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું. જેના પરિણામે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચમાં વધારો થતો હતો. આ યુનિટ કાર્યરત થવાથી હવે ખેડૂતો અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવી નિકાસ કરી તેમના પાકનો ઉત્તમ ભાવ મેળવતા થયા છે. ગુજરાત એગ્રો રેડિએશન પ્રોસેસિંગ ફેસિલિટીને USDA-APHIS ની મંજૂરીને એક મહત્વપૂર્ણ કદમ ગણવામાં આવે છે. આ પગલાથી ગુજરાતની કેરીની નિકાસ પ્રક્રિયા વધુ વેગવાન બનશે.
રાજ્યમાં આ વર્ષે ક્યાં કેરીનું કેટલું ઉત્પાદન થયું ?
રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, કચ્છ અને સુરત સહિતમાં જીલ્લાઓમાં આંબા પાક વધુ થાય છે. જેમાં વલસાડમાં ૧.૮૧ લાખ મેટ્રિક ટન, નવસારીમાં ૧.૧૯ લાખ મેટ્રિક ટન, ગીર સોમનાથમાં ૧.૦૫ લાખ મેટ્રિક ટન, કચ્છમાં ૮૪ હજાર મેટ્રિક ટન અને સુરતમાં ૫૦ હજાર મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે.