અમદાવાદ જિલ્લામાં બગોદરા ગામ નજીક શુક્રવાર, 11 ઓગસ્ટે એક મિની-ટ્રક અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય લોકો ઘાયલ થયાં હતાં. આ અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર બગોદરા ગામ નજીક થયો હતો. લોકોનું એક જૂથ પડોશી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી મિની ટ્રક (છોટા હાથી)માં બેસીને અમદાવાદ પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવાએ જણાવ્યું હતું કે, “સવારે થયેલા અકસ્માતમાં પાંચ મહિલાઓ, ત્રણ બાળકો અને બે પુરૂષોના મોત થયા હતા.” અકસ્માતનો ભોગ બનેલા લોકો ચોટીલા મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ સમયે અચાનક ટ્રક અને મિની ટ્રકની ટક્કર થઈ ગઈ અને ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા. હાઈવે લોહીથી લથબથ બન્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં પંચર પડેલી એક ટ્રક પહેલાથી જ ઊભી અને તેને મુસાફરો ભરેલી મિની ટ્રક અથડાઈ હતી. મિની ટ્રકનો કચ્ચરઘાણા વળી ગયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માત હૃદયદ્રાવક છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.