‘’કેમ્બ્રિજમાં યોજાયેલી પૂ. મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવા માટે યુકેનો હુંફાળો અભિગમ અને વડા પ્રધાન ખુદ તેમાં ભાગ લે તે યુકેનું ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યેનું વલણ અને તેના આદરને દર્શાવે છે. મને બ્રિટીશ હોવાની સાથે હિંદુ હોવાનો પણ ગર્વ છે’’ એમ લોર્ડ ડોલર પોપટે ગરવી ગુજરાતને આપેલી એક્સક્લુસીવ મુલાકાતમાં જણાવ્યું હતું.
લોર્ડ પોપટે જણાવ્યું હતું કે ‘’યુકેની આ નિખાલસતા યુકેના બહુસાંસ્કૃતિક સ્વભાવને પ્રતિબિંબિત કરે છે અને વિવિધ ધર્મોને તેના સમાજમાં લાવી તેમના મૂલ્યોને માન્યતા આપે છે. આવા પ્રસંગો આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવે છે અને વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે સંવાદિતા અને સમજણની ભાવનાને પ્રોત્સાહન આપે છે. ખાસ કરીને આપણા વડા પ્રધાન ઋષી સુનક ભારતના સ્વાતંત્ર્ય દિને કથામાં પધાર્યા. મોદીજી અને સુનક બન્ને કહે છે તેમ આપણે ભારતીયો બે દેશો વચ્ચેના લિવિંગ બ્રિજ છીએ. સુનક પોતે વૈષ્ણવ છે, સનાતની છે. તેમના દાદાએ સાઉધમ્પ્ટનમાં મંદિરની સ્થાપના કરી હતી. તેઓ બચપનથી જ તે મંદિરમાં લોકોને પ્રસાદ પીરસતા હતા, જે તેમણે અહિં પણ ઉત્સાહભેર કર્યું હતું. તેઓ આ કથામાં વડા પ્રધાન તરીકે નહિ પણ હિન્દુ તરીકે આવ્યા અને તેનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો તે જ આનંદની વાત છે.’’
‘’બાપુની કથા હંમેશા શાંતિ, સત્ય, પ્રેમ અને કરુણાના સાર્વત્રિક મૂલ્યોની આસપાસ કેન્દ્રિત રહે છે. તેઓ વિવિધ ધાર્મિક ઉપદેશોમાંથી સમાનતા તરફ દોરે છે. તેમની કથામાં હાજરી આપવા માટે તમામ ધર્મના લોકોને આમંત્રિત કરવાનો બાપુનો અભિગમ આંતરધર્મ સંવાદને ઉત્તેજન આપવા માટેની તેમની પ્રતિબદ્ધતા રજૂ કરે છે. આ કથામાં રામાયણ પર કેન્દ્રિત ભગવાન રામના ઉપદેશો અને તેમની આજની સુસંગતતાની સમજ આપવામાં આવી છે. જે સૌને ભક્તિમય પાસાઓનો અનુભવ કરાવે છે. આ કથા હિંદુ પરંપરાઓની ઉજવણી, સાંસ્કૃતિક પ્રદર્શન અને સંસ્કૃતિનો સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. બાપુ તમામ ધર્મના લોકોને કથામાં આવકારી રામાયણના ઉપદેશો દ્વારા વ્યાપક આધ્યાત્મિક આંતરદૃષ્ટિનો અનુભવ કરવા પ્રોત્સાહિત કરે છે. પૂ. બાપુનો આ અભિગમ જ ધાર્મિક સીમાઓને પાર કરીને એકતા અને સહિયારી સમજણની ભાવનાને પ્રોત્સાહન આપે છે. હું માનુ છું કે આ કથા નિઃશંકપણે હિન્દુ સંસ્કૃતિ અને ફિલસૂફી વિશે જાગૃતિ ફેલાવી અર્થપૂર્ણ આંતરધર્મિય વાર્તાલાપમાં જોડાવાની તક આપશે. આ કથા આંતરધર્મ સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપે છે તથા પરસ્પર આદર વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.’’
લોર્ડ પોપટે કહ્યું હતું કે ‘’મારા પુત્ર પાવન પોપટે આ કથાનું આયોજન કર્યું છે. પાવન બાપુ સાથે પહેલાથી જ ખૂબ જ જોડાયેલો છે. તેણે પોતાની પહેલી કથા માતાના ગર્ભમાં હતો ત્યારે સાંભળી હતી. તેણે એથેન્સમાં તો મારા મોટા પુત્ર રૂપીને વેટીકનમાં કથા કરી હતી. પૂ. બાપુ સાથે પાવનની આ બીજી કથા છે. ખાસ તો પૂ. બાપુ કોઇ ચાર્જ કરતા નથી. પાવને ગયા વર્ષે અમને મેદાન ન મળતા અમે આ વર્ષે જીસસ કૉલેજમાં કથા કરી શક્યા છીએ. પાવને કહ્યું હતું કે બાપુ તમે કેમ્બ્રીજની મેટ્રીક પરિક્ષામાં ત્રણ વખત નાપાસ થયા હતા તો હવે કથા કેમ્બ્રિજમાં જ કથા કરીએ. આમ તેમણે સાથે મળીને જીસસ કોલેજને પસંદ કરી હતી. વળી કેમ્બ્રિજ યુનિવર્સીટીએ સૌથી વધુ નોબેલ એવોર્ડ વિજેતાઓ આપ્યા છે અને બીજી સૌથી જુની યુનિવર્સીટી છે. તેની સ્થાપના 1209માં થઇ હતા અને તેને રીવર્સ કરો અને ઝીરોને કાઢી નાંખતા આ બાપુની 921મી કથા થઇ છે.’’
લોર્ડ પોપટે જણાવ્યું હતું કે ‘’આજે તમે જુઓ છો કે ઘણાં બધા શ્રોતાઓ 30 વર્ષથી નીચેના છે. તેમના ઉપદેશો મારા સહિત ઘણાં લોકોને સ્પર્શી જાય છે અને આપણાં અહમ અને અભિમાનને ઓગાળે છે. જીસસ કોલેજમાં હિન્દુ કાર્યક્રમના આયોજન કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિને સ્વીકારવા માટે કોલેજના સમર્પણને દર્શાવે છે અને આસ્થા બાબતે ખુલ્લી ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે કોલેજની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’’