G20 સમિટ વખતે ભારતની યાત્રા દરમિયાન તા. 10ના રોજ નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનકનું સ્વાગત કરનાર BAPS  શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત અને આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે ‘’યુકેના વડા પ્રઘાન શ્રી ઋષિ સુનક એક સક્ષમ વૈશ્વિક નેતા છે. વડા પ્રધાન સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ મંદિરની મુલાકાત લઈને અને ભગવાનના દર્શન કરીને ખૂબ જ ખુશ થયા હતા.’’

ઋષિ સુનકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધા પહેલા મીડિયા સાથે કરેલી વાતચીત દરમિયાન પોતાને “ગર્વીલા હિન્દુ” ગણાવ્યા હતા રાજધાનીમાં તેમના રોકાણ દરમિયાન મંદિરમાં હાજરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મંદિરનું એક મોડેલ પણ અપાયું હતું.

સુનક અને તેમના પત્નીની મુલાકાતના રાજદ્વારી પાસાઓની જવાબદારી સંભાળનાર અક્ષરધામ મંદિરના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યું હતું કે “તે વિશ્વાસ અને પ્રેમથી ભરેલી મુલાકાત હતી. આખી રાત મુશળધાર વરસાદ પડ્યો હોવા છતાય વડા પ્રધાનની શ્રદ્ધા જળવાઈ રહી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મંદિર અને મૂર્તિઓને આદર આપવા માંગે છે. તેઓ સવારે 6.15ની આસપાસ આવ્યા હતા અને તેમની પત્ની સાથે ઝરમર વરસાદમાં ઉઘાડા પગે મંદિર અને મૂર્તિ સુધી ચાલ્યા હતા. તો સંતોએ તેમને ફૂલમાળા પહેરાવી કપાળ પર તિલક લગાવીને સ્વાગત કર્યું હતું. તેઓ અત્યંત ખુશ હતા અને હંમેશા જન્માષ્ટમી પ્રસંગે ભગવાન કૃષ્ણના દર્શન કરવા માંગતા હતા. યોગાનુયોગ ભગવાન કૃષ્ણના જન્મ વખતે વરસાદ પડતો હતો તેમ તેમણે દર્શન કર્યા ત્યારે પણ વરસાદ પડતો હતો.’’

પૂ. સ્વામીજીએ જણાવ્યું હતું કે ‘’તેઓ સંપૂર્ણ આદર અને વિશ્વાસ સાથે ભગવાનની મૂર્તિ સમક્ષ ગયા હતા અને મૂર્તિઓ સમક્ષ પ્રાર્થના કરી ફૂલો અર્પણ કરી આરતી કરી હતી અને મંદિરના વિવિધ ભાગોની મુલાકાત લીધી હતી. તેમણે પત્ની અક્ષતા સાથે વ્યક્તિગત રીતે પ્રાર્થના કરી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા, ભગવાન રામ અને સીતા અને ભગવાન મહાદેવ અને પાર્વતી સમક્ષ ફૂલો મૂક્યા હતા. તેઓ બધા બાળકો અને ઉપસ્થિત દરેકને મળ્યા હતા. તેઓ ખૂબ જ નમ્ર માણસ અને સક્ષમ વૈશ્વિક નેતા છે. તેમને પર્યાવરણ, મંદિર અને વોલંટીયરીંગની ભાવનાનો ઊંડો સ્પર્શ થયો હતો. તેઓ  માને છે કે તેઓ એક હિન્દુ છે અને તેઓ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે રાષ્ટ્ર મેળવવા માંગે છે. તે માટે તેમણે ખાસ પ્રાર્થનાઓ કરી હતી જે ખૂબ જ ખાનગી હતી. તેમણે પોતાની પ્રાર્થના અન્ય નેતાઓ અને તમામ સંતોને પણ આપી હતી. તેઓ ભગવાનના દર્શન કરીને અત્યંત પ્રસન્ન થઇ ખૂબ જ સન્માનની લાગણી અનુભવતા હતા.”

પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે ‘’તેમણે પંચાંગ પ્રણામ કર્યા અને ભગવાન સ્વામિનારાયણ અને અન્ય દેવતાઓ સમક્ષ આરતી કરી ખરેખર વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. હું માનું છું કે આ ગુણ દરેક મહાન નેતાના મૂળમાં હોય છે. ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે આરોગ્ય અને શિક્ષણ, ક્રિટિકલ ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મહત્વપૂર્ણ છે. હું તેમાં ‘ભગવાન, લોકોમાં અને રાષ્ટ્રમાં વિશ્વાસ’નો ઉમેરો કરુ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુનક અને મૂર્તિ વારંવાર કહે છે કે તેઓ ફક્ત પોતાના અને પરિવાર માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પ્રાર્થના કરવા માટે મંદિરની મુલાકાત લે છે.

LEAVE A REPLY