હિંદુફોબિયા, હિંદુઓ અને હિંદુ ધર્મ પ્રત્યેના વિરોધ, વિનાશક અને અપમાનજનક વલણનું પ્રમાણ તાજેતરના વર્ષોમાં વધ્યું છે ત્યારે સ્ટોકપોર્ટના યુવાન સંસદસભ્ય નવેન્દુ મિશ્રાએ સરકારને હિંદુફોબિયાનો સામનો કરવા દબાણ કર્યું છે. તેમણે ખાસ કરીને, લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ માટેના વિભાગને હિન્દુફોબિયાના સ્તરોમાં નવીનતમ વલણો શું છે તે જણાવવા વિનંતી કરી છે. વર્ષ 2021-2022માં હિંદુફોબિયાને લગતી 161 ઘટનાઓ નોંધાઈ છે.
લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ માટેના સ્ટેટ સેક્રેટરીને લખેલા સંસદીય પ્રશ્નના જવાબમાં લોકલ ગવર્મેન્ટ એન્ડ બિલ્ડીંગ સેફ્ટીના પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટે જણાવ્યું હતું કે ‘’હિન્દુફોબિયા ઘૃણાસ્પદ છે અને આપણાં સમુદાયોમાં તેને માટે કોઈ સ્થાન નથી.”
હિંદુફોબિયાના ઉદય પર ટિપ્પણી કરતા, સાંસદ નવેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે “હિંદુફોબિયા ઘૃણાજનક છે અને સરકારો, રાજકીય પક્ષો અને નાગરિક સમાજ સંગઠનોએ તેને દૂર કરવા માટે શક્ય તેટલું કરવું જોઈએ. તમામ પ્રકારનો ભેદભાવ ઘૃણાસ્પદ છે અને હિંદુફોબિક ઘટના ઘણી બધી છે. હું બ્રિટિશ સરકાર પર દબાણ કરવાનું ચાલુ રાખીશ કે આ ચોક્કસ પ્રકારના ભેદભાવ અંગે વધુ શિક્ષણ આપે.’’
તાજેતરના વર્ષોમાં હાઉસ ઓફ કોમન્સમાં શ્રી મિશ્રાએ અન્ય લેખિત પ્રશ્નમાં પૂછ્યું હતું કે ‘’શું આ વિશિષ્ટ સ્વરૂપના ભેદભાવનો સામનો કરવા અંગે હોમ ઑફિસમાં ચર્ચા થઈ હતી કે કેમ? તે સમયે, તત્કાલીન જુનિયર હોમ ઓફિસ મિનિસ્ટરે જવાબ આપ્યો હતો કે “આપણાં દેશમાં હિંદુઓ પ્રત્યે નફરત માટે કોઈ સ્થાન નથી અને જ્યાં પણ તે થશે તેને અમે દૂર કરવાનો પ્રયાસ કરીશું.”