વૉન્ડ્ઝવર્થ જેલમાંથી 6 સપ્ટેમ્બરના રોજ સવારે ફૂડ વેનના નીચે છુપાઇને ભાગી છુટેલા ભૂતપૂર્વ સોલ્જર અને આતંકી શંકાસ્પદ ડેનિયલ ખલીફની ચાર દિવસની શોધખોળ બાદ ધરપકડ કરવામાં આવી હોવાનું મેટ પોલીસે જણાવ્યું છે.

મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે ‘’ 21 વર્ષીય આતંકવાદી શંકાસ્પદ ડેનિયલ ખલિફને બુધવારે એચએમપી વૉન્ડ્સવર્થ જેલમાંથી ભાગ્યા બાદ શનિવારે સવારે 11 વાગ્યા પહેલાં સાઉથ વેસ્ટ લંડનના ચિઝીક વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી. ખલિફને શોધવા માટે અમારી તપાસ દરમિયાન સમર્થન આપનાર જનતા અને મીડિયાનો આભાર માનીએ છીએ અને અમે સમયસર તેની ધરપકડ અંગે વધુ અપડેટ પ્રદાન કરીશું.”

ડેનિયલ ખલીફની શોધવા માટે શનિવારે સવારે પોલીસે ચિઝીકના રહેવાસીઓના ગાર્ડન્સ તપાસ કરી હતી. જે માટે પોલીસે સ્નિફર ડોગ્સ અને ઉપર હેલિકોપ્ટરની મદદ પણ લીધી હતી.

મેટ પોલીસે ડેનિયલની ધરપકડ તરફ દોરી જાય તેવી માહિતી માટે £20,000 સુધીનું ઈનામ ઓફર કર્યું હતું. તપાસ દરમિયાન તે રિચમન્ડ પાર્ક તથા વૉન્ડ્સવર્થ રાઉન્ડઅબાઉટ નજીક જોવા મળ્યો હોવાનું જણાયું હતું. કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડનું નેતૃત્વ કરતા કમાન્ડર ડોમિનિક મર્ફીની આગેવાની હેઠળનામહત્ત્વપૂર્ણ ઓપરેશનમાં મેટ પોલીસના 150 થી વધુ આતંકવાદ વિરોધી અધિકારીઓ અને સ્ટાફે અન્ય દળોના સાથીઓના સમર્થન સાથે ચોવીસેય કલાક તપાસ આદરી હતી. પોલીસે લોકોને CCTV, ડોરબેલ ફૂટેજ, મોબાઈલ ફોન ફૂટેજ અથવા ડેશ-કેમ ફૂટેજ આપવા જણાવ્યું હતું.

પોલીસને લોકો તરફથી 100 થી વધુ કૉલ્સ પ્રાપ્ત થયા હતા અને બુધવારે રાષ્ટ્રવ્યાપી એલર્ટ જાહેર કરાયું હતું. ખલીફ જેલની બહાર નીકળેલી ડિલિવરી વાનની નીચે પોતાના શરીર સાથે પટ્ટાઓ બાંધીને તે ભાગી છૂટ્યો હતો.

LEAVE A REPLY

10 − 7 =