ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને શનિવારે જણાવ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારતની સંભવિત સંડોવણીના આરોપોથી અમેરિકા ખૂબ ચિંતિત છે અને મહત્વની બાબત એ છે કે નવી દિલ્હી આ તપાસમાં ઓટાવાને સહકાર આપે. આ મામલે અમેરિકાએ ભારત સરકારનો સીધો સંપર્ક કર્યો છે અને સૌથી વધુ ફળદાયી બાબત એ છે કે આ તપાસ પૂર્ણ થાય.
ભારત સામે કેનેડાના આક્ષેપો અંગેના એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે અમે કેનેડા સાથે ગાઢ રીતે વિચારવિમર્શ કરી રહ્યાં છીએ અને સંકલન પણ કરી રહ્યાં છીએ. કેનેડાની તપાસ આગળ વધે અને ભારત આ તપાસમાં કેનેડાને સહકાર આપે તે મહત્ત્વનું છે. અમે જવાબદારી નક્કી કરવા માગીએ છીએ અને તપાસ ચાલુ રહે અને તેનો કોઇ નિષ્કર્ષ આવે તેવું અમે ઇચ્છીએ છીએ. પ્રેસિડન્ટ જો બાઇડનને આ મુદ્દો મોદી સમક્ષ ઉઠાવ્યો હતો કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમે રાજદ્વારી વિચારવિમર્શ અંગે કંઇ કહેવા માગતા નથી. અમે સીધી રીતે ભારત સરકારના સંપર્કમાં છીએ. અમેરિકા કથિત આંતરરાષ્ટ્રીય અતિક્રમણની કોઈપણ ઘટનાઓ વિશે અત્યંત સતર્ક છે” અને તેને “ખૂબ જ ગંભીરતાથી” લે છે.