દેશની સંસદમાં મહિલા અનામત બિલ પસાર થવા બદલ ભાજપના મહિલા મોરચાએ આયોજિત કરેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રમાં મજબૂત બહુમતી સાથેની નિર્ણાયક અને સ્થિર સરકારને કારણે આશરે ત્રણ દાયકાઓથી લટકાવી રાખવામાં આવેલા આ બિલને રેકોર્ડ સમર્થન સાથે સંસદની મંજૂરી મળી શકી છે. તે કોઈ એક સામાન્ય કાયદો નથી, પરંતુ નવા ભારતની નવી લોકશાહીની પ્રતિબદ્ધતાની ઘોષણા છે. ભાજપની મહિલા મોરચાએ મોદીનું અભિવાદન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે મોદી સરકારે તાજેતરમાં મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવા માટે એક બિલ પસાર કર્યું છે.
RJD અને સમાજવાદી પાર્ટી જેવા પ્રાદેશિક પક્ષો પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરતાં બિલોને અગાઉ જે લોકોએ ફાડી નાંખ્યા હતાં, તેઓએ આ વખતે સમર્થન કરવું પડ્યું છે, કારણ કે તેમની સરકારના છેલ્લાં એક દાયકામાં નારીશક્તિ ઊભરી છે. આ બિલ રજૂ કરતાં પહેલા સરકારે સંખ્યાબંધ યોજનાઓ અને પગલાંથી મહિલા સશક્તિકરણ કર્યું હતું. તેથી દરેક પાર્ટીએ તેને સપોર્ટ કરવો પડ્યો છે. અગાઉ આ પ્રકારનું બિલ સંસદમાં આવ્યું ત્યારે માત્ર ઔપચારિકતા જ કરવામાં આવતી હતી અને પ્રતિબદ્ધ પ્રયાસો કરવામાં આવતા ન હતા. મહિલાઓને અપમાનિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો
બિલના નારી શક્તિ વંદન નામનો વિરોધ કરનારા કેટલાંક વિપક્ષી સાંસદો પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે શું દેશની મહિલાઓને નમન ન કરવું જોઈએ અને તેમનું સન્માન ન વધારવું જોઈએ.