બોલિવૂડની યુવા અભિનેત્રી અને અનિલ કપૂરની પુત્રી સોનમ તેના બાળકના ઉછેરના કારણે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. જોકે, તે હવે ફિલ્મોમાં પરત આવવાની જોરદાર તૈયારી કરી રહી છે. આમ, પણ સોનમ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેની ફેશન સેન્સ માટે દર્શકો તરફથી ઘણી પ્રશંસા મેળવી રહી છે. તાજેતરમાં જ સોનમે સ્પષ્ટ કરી હતી કે તેને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. આ સાથે તેણે પુસ્તકો પર આધારિત ફિલ્મોના રૂપાંતરણ (એડેપ્શન) વિશે વાત કરી છે.
તેણે કહ્યું હતું કે, તે જ્યારે પણ શૂટિંગ નથી કરતી ત્યારે તે પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. તે કહે છે કે, પુસ્તકો આપણને કાલ્પનિક વિશ્વનો અનુભવ કરાવે છે. જ્યારે મારી પાસે સમય હોય છે ત્યારે હું સતત વાંચન કરું છું અને એવા જગતમાં પહોંચી જાવ છું જ્યાં બધું શક્ય છે. વાંચન એ એક અનુભવ છે. તે જીવનની સંજીવની છે.
મારી કેટલીક મનપસંદ ફિલ્મો મહાન પુસ્તકોનું રૂપાંતરણ છે. પુસ્તકો અને સિનેમા પ્રત્યેનો મારો પ્રેમ સમાન છે. જ્યારે સારા પુસ્તકો સારી ફિલ્મોમાં પરિવર્તિત થાય છે ત્યારે તે મહત્ત્વની બાબત હોય છે. પુસ્તકોના મહત્ત્વ અંગે સોનમે જણાવ્યું હતું કે, પુસ્તકો મનોરંજક અને આકર્ષક સામગ્રી વિકસાવવા માટેનો સંપૂર્ણ સ્ત્રોત છે. હું હંમેશા માનુ છું કે સારી વાર્તા દરેક વર્ગને આકર્ષિત કરશે અને સફળતાની સીમાઓને પાર કરશે.
——————