રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને બે દિવસમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઇ-મેઇલ મળ્યા હતા. મુકેશ અંબાણી પાસેથી રૂ. 20 કરોડની ખંડણી માગવામાં આવી હતી. બીજા ઇ-મેઇલમાં રૂ.200 કરોડની ખંડણી માગવામાં આવી હતી.
મુકેશ અંબાણીને શુક્રવારે જાનથી મારી નાખવાની ધમકીનો ઈ-મેલ મળ્યો હતો. તેમના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે ગામદેવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અંબાણીને મળેલ ઈ-મેલમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ રૂ.20 કરોડ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને ગોળી મારી દેવામાં આવશે.
પોલીસે જણાવ્યું હતું કે પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 387 (વ્યક્તિને મોતની ધમકી આપવી અને ખંડણી) અને 506(2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે ઇ-મેઇલ મોકલનારા વ્યક્તિને ઝડપી લેવા માટે મોટાપાયે શોધખોળ અભિયાન હાથ ધર્યું છે.
ગયા વર્ષે મુંબઈ પોલીસે મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બિહારના દરભંગામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીએ મુંબઈની સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી.