ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ડેવિડ વિલી ભારતમાં વર્લ્ડ કપના અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, એમ 33 વર્ષીય વિલીએ બુધવારે જણાવ્યું હતું. ગયા અઠવાડિયે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે નવા કેન્દ્રીય કરારની જાહેરાત કરી ત્યારે વિલીને કોઈ ડીલની ઓફર કરવામાં આવી ન હતી અને તે હવે વિશ્વભરની વિવિધ ફ્રેન્ચાઇઝી-આધારિત લીગમાં રમવા માટે મુક્ત હશે.
2015માં ઈંગ્લેન્ડમાં ડેબ્યુ કર્યા બાદ આ ડાબેરી બોલરે 70 વન-ડે અને 43 T20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. વિલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેં અપાર ગર્વ સાથે ઇંગ્લીસ ટીમનું શર્ટ પહેર્યું છે અને મારી છાતી પરના બેજને મારું સંપૂર્ણ આપ્યું છે. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે આવી અવિશ્વસનીય ટીમનો ભાગ બનવા માટે હું ખૂબ નસીબદાર રહ્યો છું.”
વર્લ્ડકપમાંથી ઇંગ્લેન્ડ અત્યાર સુધીની છમાંથી પાંચ મેચ હારી ગયું છે અને પોઇન્ટ ટેબલમાં તળિયે છે. વિલીએ કહ્યું હતું કે નિવૃત્તિના નિર્ણયને ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડના પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા નથી. મને લાગે છે કે હું હજુ પણ મારો સર્વશ્રેષ્ઠ દેખાવ કરી રહ્યો છું ત્યારે મારી પાસે મેદાન પર અને મેદાનની બહાર ઘણું બધું આપવાનું બાકી છે અને મારા નિર્ણયને વર્લ્ડ કપ દરમિયાન અમારા પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા નથી.