ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામમાં ગુરુવારે એક યુવકે જાહેરમાં 16 વર્ષની કિશોરીનું ગળુ કાપીને ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. યુવતી બસ સ્ટેન્ડ પાસે આવેલા પાર્લરમાં કોલ્ડડ્રિંક લેવા માટે ઉભી રહી હતી ત્યારે એક શખસે ગળુ કાપી હત્યા કરી હતી. આરોપીએ સગીરાના ગળા પર ઘાતકી રીતે ચાકુ ફેરવી દીધા બાદ તેના હાથ પર પણ ઘા માર્યા હતા.

પોલીસે આ ઘટનામાં 46 વર્ષના રાજુ નામના શખ્સની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે માતરના ત્રાજ ગામનો રાજુ ઉર્ફે રાજેશ પટેલે કાગળ કાપવાના કટરથી કૃપા પટેલને ગળાના ભાગેથી હુમલો કર્યો હતો. આરોપી રાજુની ભત્રીજી અને મૃતક કિશોરી બંને બહેનપણી હતી અને અવાર-નવાર ઘરે આવતી હતી. તેનાથી સામાન્ય વાતચીત થતાં રાજેશ આ કિશોરીના એકતરફી પ્રેમમાં પડ્યો હોવાનું માનવામાં આવે છે.

આ ઘટનાને મૃતક કિશોરી સાથે રહેલી તેની બહેનપણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટના સ્થળ પરથી લોકોએ હત્યારા રાજુને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલી કૃપાને સારવાર માટે 108ની મદદથી ખેડા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ તેનો સારવાર ચાલુ થાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.

મીડિયા અહેવાલ મુજબ મૃતક કૃપા બ્યુટી પાર્લરનો કોર્સ કરવા માટે દરરોજ ખેડા જતી હતી, આ દરમિયાન આરોપી તેનો પીછો કરતો હતો કે કેમ તથા તે એક તરફી પ્રેમમાં પાગલ હતો કે નહીં તે સહિતની તપાસ કરવામાં આવી હતી. અગાઉ ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુરતની ગ્રીષ્મા વેકરિયાની પણ આવી રીતે હત્યા થઈ હતી.