પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં ગ્રીનકાર્ડની અરજી કરવા માટે ભારતીય પ્રોફેશનલ્સ માટે યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ એક મહત્ત્વપૂર્ણ અને દુર્લભ વિન્ડોની જાહેરાત કરી છે. અરજી કરવાની આ વિન્ડો 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે. પ્રાયોરિટી ડેટ્સ નોંધપાત્ર રીતે આગળ વધવાથી તથા USCISના કેટલાંક મહત્ત્વના પ્રક્રિયાગત નિર્ણયોને કારણે આ તક ઊભી થઈ છે અને નિષ્ણાતો જાન્યુઆરી 2026ની આ તકને ઝડપી લેવાની સલાહ આપી રહ્યાં છે.

અરજી ફાઇલ કરવા માટેના આ મર્યાદિત સમયગાળોનું મુખ્ય કારણ USCISનું જાન્યુઆરી 2026નું વિઝા બુલેટિન છે, જેમાં ઘણા વર્ષોની સ્થગિતતા પછી ભારતીયો માટે રોજગાર આધારિત કેટેગરીની પ્રાયોરિટી ડેટ્સમાં તીવ્ર પ્રગતિ જોવા મળી છે. ખાસ કરી ભારતીય અરજદારો માટે EB-1 (પ્રાયોરિટી વર્કર) અને EB-5 (રોકાણ આધારિત વિઝા)માં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો.

અગાઉ ડિસેમ્બર 2025ના વિઝા બુલેટિનમાં પણ ઘણા EB કેટેગરીના વિઝા માટેની તારીખો પહેલાથી જ આગળ વધારી દેવામાં આવી હતી. આના થોડા સમય પછી USCISએ પુષ્ટિ આપી હતી કે અરજદારો ફાઇનલ એક્શન ડેટ્સ ચાર્ટ અથવા ફાઇલિંગ ડેટ્સ ચાર્ટનો ઉપયોગ કરીને કાયમી રહેઠાણની અરજીઓ ફાઇલ કરી શકે છે.

ઇમિગ્રેશન એટર્નીએ જણાવ્યું હતું કે આ બંને વિકલ્પો ઉપયોગ કરવાની છૂટથી એવા ઘણા અરજદારો માટે એક દુર્લભ તક ઊભી થઈ છે, જેમને અગાઉ બહાર રખાયા હતાં. બંને ચાર્ટ હેઠળ અરજી ફાઇલ કરવાની મંજૂરી આપી USCISએ પાત્રતાને પણ વિસ્તૃત બનાવી છે. હવે ફાઇનલ એક્શન ડેટ્સ હેઠળ જેમની પ્રાયોરિટી ડેટ્સ ‘કરંટ’ નથી જેવા પ્રોફેશનલ્સ પણ અરજી કરી શકશે. નિષ્ણાતોએ લાયકાત ધરાવતા લોકોને ઝડપથી આગળ વધવાની સલાહ આપી છે, કારણ કે આવી વિન્ડો આવી ટૂંકા ગાળા માટેની હોય છે.

જાન્યુઆરી બુલેટિન લગભગ તમામ રોજગાર-આધારિત કેટેગરીમાં પ્રગતિ દર્શાવે છે. ભારતીયો માટે EB-1 કેટેગરીમાં પ્રાયોરિટી ડેટ લગભગ એક વર્ષ આગળ વધી છે, જ્યારે EB-5 લગભગ બે વર્ષ આગળ વધી છે. EB-2 અને EB-3ની તારીખો પણ આગળ વધી છે. જેનાથી ભારત અને ચીન જેવા જંગી બેકલોગવાળા દેશોના અરજદારોને થોડી રાહત મળી છે.
કન્સલ્ટન્સી કંપની ટ્રુ નોર્થ પાથવેઝના સ્થાપક અને યુએસસીઆઈએસના ભૂતપૂર્વ અધિકારી માઈકલ વાલ્વર્ડે જણાવ્યું હતું કે તારીખોમાં પ્રગતિનું પ્રમાણ અણધાર્યું છે. ઇમિગ્રેશન એજન્સી ફાઇલિંગ વધારવાનો પ્રયાસ કરી રહી હશે, કારણ કે તેને ઉપલબ્ધ વિઝાનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે પૂરતી અરજીઓ દેખાઈ નથી. લાંબા પ્રોસેસિંગ સમય અને ઊંચા ઇનકાર દરથી પણ એકંદર વિઝા ઉપલબ્ધતામાં વધારો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે જે કોઈ પણ હવે ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની પાત્રતા ધરાવે છે, તેમણે આ મર્યાદિત સમયગાળાનો ઝડપથી લાભ લેવો જોઇએ. પરંપરાગત રીતે જોઇએ તો આના જેવા મોટા પગલાંમાં પછીથી પીછેહટ કરાતી હોય છે. તેથી આવી તક ગુમાવવી જોઇએ નહીં.

ગ્રીનકાર્ડ માટે આશાવાદ ઊભો થયો હોવાં છતાં કેટલાંક નિષ્ણાતો વિલંબની પણ ચેતવણી આપી રહ્યાં છે, કારણ કે ઐતિહાસિક રીતે મોટાભાગે વર્ષના અંતમાં મોટા પાયે પ્રગતિ પછી પાછળથી પીછેહટ કરવામાં આવે છે.

અરજી ફાઇલ કરવા માટે જાન્યુઆરી મહત્ત્વનો મહિનો બનશે, કારણ કે ફાઇલિંગ વિન્ડો 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. અરજદારોએ મેડિકલ એક્ઝામિનેશન સહિતના તમામ પેપરવર્ક પૂર્ણ કરવા જોઇએ. USCIS હવે I-485 અથવા કાયમી નિવાસ નોંધણી અરજી સાથે મેડિકલ એક્ઝામિશન રીપોર્ટ પણ માગે છે.

સોમિરેડ્ડી લો ગ્રૂપના સંગીતા મુગુન્થને જણાવ્યું હતું કે ખાસ કરીને EB-1 અને રોકાણકાર વિઝા EB-5 બંને કેટેગરીમાં નવું મોમેન્ટમ આવ્યું છે, પરંતુ સાવચેતીપૂર્વક અરજી કરવી જોઇએ. તેમણે પોતાનો કેસ મજબૂત બનાવવા માટે અરજદારોને તેમના પ્રોફેશનલ રેકોર્ડ રિવ્યૂ કરવાની, તેમની શક્તિઓને ઓળખવાની અને સિદ્ધિઓના સંપૂર્ણ દસ્તાવેજી તૈયાર કરવાની સલાહ આપી હતી.

LEAVE A REPLY