(ANI Photo)

વર્લ્ડ કપ-2023માં શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ જંગ પહેલા ક્રિકેટપ્રેમીઓ ઉત્સાહિત અને રોમાંચિત બન્યાં હતા. આ મેચ જોવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંત સહિત ઘણી હસ્તીઓ સ્ટેડિયમમાં હાજર રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ મેચ અગાઉ પરફોર્મ કરશે.

ભારતીય સમય મુજબ મેચ બપોરે 2.00 વાગ્યે ચાલુ થશે. જોકે સવારે નવ વાગ્યાથી ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ તરીકે જવા લાગ્યાં હતા. વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 1.3 લાખ પ્રેક્ષકોની હોવાથી સરકાર અને પોલીસે લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી બચવા માટે ખાનગી વાહનોના બદલે મેટ્રો ટ્રેન એએમટીએસ અને બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેનાથી મેટ્રો ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સ્ટેડિયમ સુધી સ્પેશિયલ બસોની સુવિધા ઊભી કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશાથી ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચક રહ્યો છે. તેમાં પણ વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ અજેય રહ્યો છે. ભારત અને પાકિસતાન વચ્ચે અત્યાર સુધીમાં વન-ડે વર્લ્ડ કપમાં કુલ સાત મેચ રમાઈ છે અને આ તમામ મેચમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો છે. તેથી ભારતીય ટીમ અને ક્રિકેટ પ્રેમીઓ પણ આ પરંપરા યથાવત રહે તેવું ઈચ્છી રહ્યા છે. બંને ટીમો વચ્ચે મેચ પહેલા સ્ટેડિયમમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ખાલિસ્તાન નેતા પન્નુની વર્લ્ડકપની વર્લ્ડ ટેરર કપમાં ફેરવવાની ધમકી વચ્ચે પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ એલર્ટ મોડ પર છે. સ્ટેડિયમમાં વીવીઆઈપી ગેટ નજીક ટીથર ડ્રોન ઉડાડવામાં આવશે. આ ડ્રોન 120 મીટરની ઊંચાઈએ ઉડી શકે છે અને ચાર કિલોમીટર સુધીના વિસ્તારમાં નજર રાખી શકે છે. અગાઉ રથયાત્રા દરમિયાન પણ આવા જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY