ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે માર્ગ મોકળો કર્યા પછી અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPએ રવિવારે તેના નેતા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. જોકે ચૂંટણી પંચે હજુ સુધી આ બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર કરી નથી.
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ડિસેમ્બર 2023થી ખાલી પડી છે. ભૂપેન્દ્ર ભાયાણીએ AAP ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતાં.
ગુજરાત હાઈકોર્ટે ૧૦ માર્ચે ફેબ્રુઆરી ૨૦૨૩માં ભાજપના નેતા હર્ષદ રિબડિયા દ્વારા દાખલ કરાયેલી ચૂંટણી અરજીનો નિકાલ કર્યો હતો, જેમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી (તત્કાલીન AAP ધારાસભ્ય) ભાયાણીની જીતને પડકારવામાં આવી હતી. કોર્ટમાં આ અરજીનો નિકાલ થતાં ચૂંટણીપંચે હવે પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરી શકશે.
2022ની ચૂંટણીમાં ભાયાણી સામે હારી ગયેલા રિબાડિયાએ અરજી પાછી ખેંચી લીધા બાદ હાઇકોર્ટે ચૂંટણી અરજીનો નિકાલ કર્યો હતો.
રવિવારે X પર એક પોસ્ટમાં, AAPએ વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે તેના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ઇટાલિયાના નામની જાહેરાત કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ ગુજરાતની વિસાવદર સહિત પાંચ વિધાનસભા બેઠકો પર વિજય મેળવ્યો હતો.














