(ANI Photo)
ઝિમ્બાબ્વે સામે પાંચ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝ રમવા આફ્રિકન દેશના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે શ્રેણીના આરંભે 13 રને પરાજય વહોર્યા પછી બીજા જ દિવસે ઓપનર અભિષેક શર્માની ઝંઝાવાતી સદી અને બોલર્સના ઉત્કૃષ્ટ દેખાવ સાથે યજમાન ટીમને 100 રને હરાવી તરખાટ મચાવ્યો હતો.
અભિષેક શર્માએ તેની બીજી જ ટી-20 મેચમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ભારતના 20 ઓવરમાં બે વિકેટે 234 રનના જંગી સ્કોરમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.  235 રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વે 134માં સમેટાઈ ગયું હતું. મુકેશ કુમાર અને આવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતનો ઝિમ્બાબ્વે સામે ટી-20 ઈન્ટરનેશલમાં રનના તફાવતના આધારે આ સૌથી મોટો વિજય રહ્યો. અભિષેકે 47 બોલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે 100 રનની ઈનિંગ્સ રમી હતી. અભિષેકના બે કેચ ઝિમ્બાબ્વેના ખેલાડીઓ ઝીલી શક્યા નહોતા અને તેનો લાભ ઉઠાવતા તેણે ઈનિંગ્સની 14મી ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ છગ્ગા સાથે સદી પૂરી કરી હતી. અભિષેકે 46 બોલમાં ટી-20 ઈન્ટરનેશનલની પ્રથમ સદી ફટકારી સૌથી ઝડપી સદીના ભારતના જ કે. એલ. રાહુલના રેકોર્ડની બરાબરી કરી હતી.
ભારતના 235 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમની શરૂઆત પણ નબળી રહી હતી. મુકેશ કુમારે ઈનિંગ્સના ત્રીજા બોલે ઈનોસેન્ટ કાયા (4)ને બોલ્ડ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. એ પછી ત્રીજી ઓવરના છેલ્લા બોલે વધુ એક વખત મુકેશ કુમાર ત્રાટક્યો હતો અને બ્રાયન બેનેટ (26)ને બોલ્ડ કરી ઝિમ્બાબ્વેને બીજો ઝાટકો આપ્યો હતો. ઓપનર વેસલી મધવેરેએ સૌથી વધુ 43 રન કર્યા હતા. નિયમિત અંતરે ભારતીય બોલર્સે વિકેટ ખેરવતા ઝિમ્બાબ્વેનો ધબડકો થયો થયો અને તે 134 રનમાં જ સમેટાઈ ગયું હતું. નવમાં ક્રમે આવેલા લ્યુક જોંગવે 33 રનની ઈનિંગ્સ રમી બીજો સર્વોચ્ચ રન કરનાર બેટ્સમેન રહ્યો હતો. લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ બે અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદના સ્થાને સાઈ સુદર્શને લેવાયો હતો અને તેણે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કર્યું હતું.
અભિષેક શર્માને સાથ આપતાં ઋતુરાજ ગાયકવાડે 47 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 77 રન કર્યા હતા. બંને વચ્ચેની બીજી વિકેટની ભાગીદારીમાં 137 રન થયા હતા.
તે ઉપરાંત રિન્કુ સિંઘ ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને તેણે 22 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 44 રને અણનમ રહ્યો હતો. તેણે ગાયકવાડ સાથે ત્રીજી વિકેટની અણનમ ભાગીદારીમાં 87 રન કર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ 10 ઓવરમાં એક વિકેટે 74 અને પછી છેલ્લી 10 ઓવરમાં 160 રન ફટકાર્યા હતા.
પ્રથમ ટી-20માં ભારતનો 13 રને પરાજયઃ આ અગાઉ, શનિવારે જ રમાયેલી પ્રથમ ટી-20માં ભારતીય ટીમનો યજમાન ઝિમ્બાબ્વે સામે લો સ્કોરિંગ મેચમાં 13 રને પરાજય થયો હતો. સુકાની શુભમન ગિલે ટોસ જીતી હરીફોને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. આ નિર્ણય સાર્થક પણ રહ્યો હતો, ભારતે યજમાન ટીમને 9 વિકેટે ફક્ત 115 રન કરવા દીધા હતા. જવાબમાં જો કે, ભારતની ટીમ તો એક બોલ બાકી હતો ત્યારે ફક્ત 102 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.

LEAVE A REPLY