અદાણી ફેમિલીની કંપની અદાણી ગેસને તેનો બિઝનેસ પેરેન્ટ કંપનીમાંથી ડિમર્જ કરવા અને તેનો હિસ્સો ફ્રાન્સની એનર્જી જાયન્ટ ટોટલ એસએને વેચવા માટે ઓઈલ રેગ્યૂલેટરની મંજૂરી મળી ગઈ છે. કંપનીએ આ માટે ઔપચારીક અરજી કરી હતી તેમ સૂત્રોએ કહ્યું હતું.પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યૂલેટરી બોર્ડ (PNGRB)એ અગાઉ કહ્યું હતું કે અદાણી ગેસે ડિમર્જરની વિગત જાહેર ન કરીને કથિત રીતે ‘ફ્રોડ’ કરવા બદલ કંપનીને 2018માં 13 શહેરોમાં ફાળવાયેલા ગેસ ડિસ્ટ્રિબ્યુશન લાઈસન્સ તે રદ કરી દેશે. આ અંગે PNGRBએ અદાણી ગેસ લિમિટેડને 29 નવેમ્બર, 2019ના રોજ કારણદર્શક નોટિસ પાઠવી હતી. ત્યારબાદ કંપનીએ ભારપૂર્વક કહ્યું હતું કે ‘તમામ સંબંધિત ઓથોરિટીને મીડિયા, અખબારો, ડિસ્ક્લોઝર, પબ્લિક લિસ્ટિંગ, બિડ સબમિશન મારફતે અદાણી ગેસના રિઓર્ગેનાઈઝેશનની પ્રક્રિયાની જાણ કરી દેવાઈ હતી.’ જોકે PNGRBએ આ મામલે તપાસની વાત કરી હતી અને ~396.81 કરોડની પેનલ્ટી કરી હતી અને તમામ 13 એરિયાના લાઈસન્સ રદ કરવાની વાત કરી હતી, જેને પગલે કંપનીએ ઔપચારીક રીતે હિસ્સો વેચવા અંગે અરજી કરી હતી. તેને પગલે PNGRBએ આ અરજી પર કાર્યવાહી કરીને કંપનીને આ માટે મંજૂરી આપી દીધી હતી.
જોકે તેમ છતાં PNGRBએ અદાણી ગેસને કહ્યું હતું કે તેણે હિસ્સો વેચવા અંગે સમયસર મંજૂરી લેવાની જરૂર હતી. કંપનીના પ્રવક્તા આ અંગે ટિપ્પણી માટે તાત્કાલિક ઉપલબ્ધ ન હતા.મૂળભૂત રીતે અદાણી ગેસ એ અદાણી એન્ટરપ્રાઈસીસ લિમિટેડ(AEL)નો એક ભાગ હતી અને પછી તેનું ડિમર્જર કરી દેવાયું હતું. ત્યારબાદ અદાણી ફેમિલીનો તેમાં રહેલો 74.8 ટકા હિસ્સો ફ્રાન્સની કંપની ટોટલને વેચવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. PNGRBએ નવેમ્બરમાં કંપનીને આપેલી નોટિસમાં કહ્યું હતું કે અદાણી ગેસે 8મા રાઉન્ડમાં જુલાઈ 2018માં સિટિ ગેસ ડિસ્ટ્રિબ્ય્ુશન માટેની બિડ વખતે અમાલ્ગમેશન અને ડિમર્જરની પ્રક્રિયા શરૂ કરી જ દીધી હતી અને તેને ખબર પણ હતી કે તેને કારણે અદાણી ગેસના પ્રમોટર અદાણી એન્ટરપ્રાઈસીસ લિમિટેડને બદલે બે ફેમિલી ટ્રસ્ટ બની જશે. તેણે કહ્યું હતું કે અદાણી ગેસે અદાણી એન્ટરપ્રાઈસીસની નેટવર્થનો ઉપયોગ કરીને બિડ કરી હતી જેથી બિડિંગ માટેના ધારાધોરણો અનુસાર તે બિડ કરી શકે. આથી ડિમર્જર અને ઓનરશિપમાં ફેરફારની વિગત જાહેર ન કરી તે ‘ફ્રોડ’ હતું. ઓક્ટોબર 2018માં અદાણી ગ્રુપ ફ્રાન્સની ટોટલ સાથે સંયુક્ત સાહસમાં 50ઃ50 હિસ્સામાં રિટેલિંગ સીએનજી માટે સંમત થઈ હતી. એક વર્ષ પછી ટોટલે અદાણી ગેસમાં 37.4 ટકા હિસ્સો ~5700 કરોડમાં ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.