REUTERS/Arnd Wiegmann/File Photo

અમેરિકાની બે બેન્કો ડુબ્યા પછી વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ક્રેડિટ સ્વીસ સામે સંકટના વાદળો ઘેરાયા છે. ક્રેડિટ સ્વીસ બેન્કની સૌથી મોટી શેરહોલ્ડર સાઉદી નેશનલ બેન્કે આ સંકટગ્રસ્ત સ્વીસ બેન્કોમાં વધુ રોકાણ કરવાનો ઇનકાર કર્યા પછી 15 માર્ચે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો અને તેનાથી તેના શેરના ઇન્ટ્રા-ડે 30 ટકાનો કડાકો બોલાયો હતો. આ ગતિવિધિથી સમગ્ર વિશ્વના ફાઇનાન્શિયલ માર્કેટમાં ગભરાટ ફેલાયો હતો. જોકે આ પછી સ્વિત્ઝર્લેન્ડની સેન્ટર બેન્ક પાસેથી 54 અબજ ડોલર સુધીનું ઋણ લેવાની જાહેરાત કરી હતી. આ પછીથી તેના શેરોમાં રિકવરી આવી હતી. સ્વિસ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સ્વિટ્ઝર્લૅન્ડની કેબિનેટ ક્રેડિટ સુઈસની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ગુરુવારે એક અસાધારણ બેઠક યોજશે.

બેન્કે 2022ના નાણાકીય વર્ષમાં 7.8 બિલિયન ડોલરની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. બેન્ક છેક 2022થી ખોટા કારણોસર ન્યૂઝમાં રહી છે. આ પછીથી બેન્ક મુશ્કેલીમાં હોવાના અહેવાલો આવતા હતા. યુએસ ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલય ક્રેડિટ સુઈસની સમસ્યાઓ પર દેખરેખ રાખી રહી છે. વૈશ્વિક સમકક્ષો સાથે સંપર્કમાં છે.

2008ની નાણાકીય કટોકટી પછી ઇમર્જન્સી રાહત પેકેજ મેળવનારી ક્રેડિટ સ્વીસ પ્રથમ વૈશ્વિક બેન્ક છે. આ કટોકટીથી વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં આક્રમક વધારો ચાલુ રાખી શકશે કે નહીં તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. નિષ્ણાતો જણાવે છે કે વૈશ્વિક નાણાકીય કટોકટી કરતાં હાલની સ્થિતિ અલગ છે, કારણ કે હાલમાં બેન્કો પાસે પૂરતી મૂડી છે અને વધુ ફંડ સરળતાથી મળી રહે છે. 2008ના આનાથી તદ્દન અલગ સ્થિતિ હતી.

સ્વિટ્ઝર્લૅન્ડની બીજી સૌથી મોટી બેંકે ક્રેડિટ સ્વીસે જણાવ્યું હતું કે  તે સ્વિસ નેશનલ બેંક પાસેથી 50 બિલિયન સ્વિસ ફ્રાન્ક ($54 બિલિયન) સુધી ઉધાર લેવાના વિકલ્પનો ઉપયોગ કરશે. નેશનલ બેન્કે પણ પુષ્ટિ કરી હતી કે તે પર્યાપ્ત કોલેટરલ સામે ક્રેડિટ સુઈસને તરલતા પ્રદાન કરશે.

અગાઉ સ્વીસ સત્તાવાળાએ ખાતરી આપી હતી કે ફાઇનાન્શિયલ સિસ્ટમ માટે મહત્ત્વની હોય તેવી બેન્કો માટે કેપિટલ અને લિક્વિડિટીના જે નિયમો છે તેનું ક્રેડિટ સ્વીસ પાલન કરે છે.

ક્રેડિટ સ્વીસનું બજારમૂલ્ય ફેબ્રુઆરી 2007માં આશરે 91 અબજ ડોલર હતું, જે હાલમાં આશરે 90 ટકા ધોવાઈને 8.66 બિલિયન ડોલર થયું છે.

જાપાનની બેંકિંગ લોબીના વડાએ જણાવ્યું હતું કે ક્રેડિટ સ્વીસ વિશ્વાસની કટોકટીથી જાપાનની નાણાકીય વ્યવસ્થાને અસર થવાના કોઈ સંકેતો નથી. એશિયામાં ક્રેડિટ સ્વીસના બેન્કરોએ તેમના ક્લાયન્ટનો સંપર્ક કર્યો હતો અને આશ્વાસન આપ્યું હતું.

167 વર્ષ જૂની આ બેંકની સમસ્યાઓથી રોકાણકારો અને નિયમનકારોનું ધ્યાન અમેરિકાથી યુરોપ તરફ કેન્દ્રીત થયું હતું. ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયાના નિયમનકારોએ બજારને ખાતરી આપી હતી કે તેમના દેશોની બેન્કો પૂરતી મૂડી ધરાવે છે.

 

LEAVE A REPLY

twelve − six =