Increase in the number of Indians entering Britain illegally
(Photo by Dan Kitwood/Getty Images)

બ્રિટનમાં ઈંગ્લિશ ચેનલ મારફતે નાની હોડીઓમાં ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરતા ભારતીયોની સંખ્યામાં ગયા વર્ષે વધારો નોંધાયો છે. ગયા વર્ષે ઇગ્લિશ ચેનલ પાર કરી 683 ભારતીયોએ બ્રિટનમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ બ્રિટનમાં ગેરકાયદે ઘૂસ્યા હોવાના કેસો સામે આવ્યા છે.

ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા વર્ષ માટે યુકે હોમ ઑફિસના આંકડા અનુસાર, 2021 માં નાની બોટમાં આવનારા ભારતીય નાગરિકોની સંખ્યા 67, 2020માં 64 અને 2019 અને 2018 શુન્ય હતી.

યુકેએ ભારત સાથે માઇગ્રેશન એન્ડ મોબીલીટી પાર્ટનરશીપ કરાક (MMP) કરેલો છે. જેનો ઉલ્લેખ વડા પ્રધાન ઋષિ સુનકે ગયા અઠવાડિયે સંસદમાં કર્યો હતો. તે અંતર્ગત ભારત, પાકિસ્તાન, સર્બિયા, નાઇજિરિયા અને મહત્ત્વપૂર્ણ રીતે હવે અલ્બાનિયાના નાગરીકોને આ કરાર હેઠળ વતન પરત મોકલવાની સમજૂતી કરાઇ છે.

સુનકે સંસદમાં જણાવ્યું હતું કે ‘’અમારી સ્થિતિ સ્પષ્ટ છે કે જો કોઇ ગેરકાયદેસર રીતે અહીં આવશે તો તો તેવા લોકો એસાયલમનો, મકાનનો, બેનિફીટનો, માનવાધિકારનો દાવો કે અન્ય લાભ ઉઠાવી શકશે નહીં.’’

સુનકે ફ્રેન્ચ બંદર કેલેથી ડોવર સુધી નાની બોટમાં ગેરકાયદેસર રીતે થતા સ્થળાંતરને રોકવા માટે ફ્રાન્સ સાથે એક નવો કરાર કર્યો હતો. અસુરક્ષિત નાની બોટ મુસાફરીની સુવિધા કરી આપતા ગુનેગારો પર કાબૂ મેળવવા માટે ફ્રેન્ચ સરહદ પર નવા માઇગ્રન્ટ ડીટેન્શન સેન્ટર, વધારાના અધિકારીઓ, ડ્રોન અને સર્વેલન્સ ટેક્નોલોજી માટે ભંડોળ આપશે.

2022માં બ્રિટનમાં 400થી વધુ ભારતીયો અપૂરતી દસ્તાવેજી કાર્યવાહી કરી હવાઇ યાત્રા કરી આવ્યા હતા. નાની હોડીઓ દ્વારા આવેલા મોટા ભાગના ભારતીય પુરુષોની વય 25થી 40ની હતી. 2022માં બ્રિટનમાં કુલ 45,755 લોકો ગેરકાયદેસર પ્રવેશ્યા હતાં.  આવા લોકોને યુકેમાં લાવવા માટે દાણચોરો હજારો પાઉન્ડ ચાર્જ કરે છે. જેમાં કેટલાય મૃત્યુ પામે છે પરંતું તેમની સંખ્યા સતત વધી રહી છે.

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને કહ્યું હતું કે ‘’સંસદમાં નવું ઇલીગલ માઇગ્રેશન બિલ રજૂ કરીને સુનકે “સ્ટોપ ધ બોટ્સ”ને તેમની સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક બનાવી છે. આ બિલ દ્વારા ગેરકાયદેસર રીતે “નાની બોટ” પર આવતા કોઈપણને તેમના વતન અથવા અન્ય “સલામત ત્રીજા દેશમાં” પરત કરાશે.’’

LEAVE A REPLY

16 − ten =