આ ફાઇલ ફોટોમાં અમદાવાદમાં 27 મે 2020ના રોજ લોકો શોપિંગ માટે લાઇન લગાવીને ઊભા છે. ((Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોનાના કેસમાં વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શહેરના એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ સહિતના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો અને બજારો સંદતર બંધ કરાવવાનો નિર્ણય કર્યો છે. જોકે રાત્રે દસ વાગ્યા પછી પણ દવાની દુકાનો ખુલ્લી રહી શકશે.

શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમ વિસ્તારમાં આવતી એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સસિટી રોડ, ઇસ્કોન વગેરે જગ્યાએ યુવાનો ટોળામાં બેસી રહેતા, જેઓ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતા. કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે આ તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ટોળામાં ભેગા થઈ બેસી રહેતા હતા, જેને લઈને કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તાએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.