અમેરિકામાં વિમાન સલામતી માટે કાર્યરત-ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાનમાં અગાઉથી અનેક ટેક્નિકલ ખામી હતી. આ દાવો પાઈલટ્સ પણ નિર્દોષ હોવાનો પણ સંકેત આપે છે.
એક અખબારી રીપોર્ટમાં જણાવ્યા મુજબ, આ ફાઉન્ડેશને દાવો કર્યો હતો કે, VT-ANB તરીકે નોંધાયેલા આ વિમાનમાં એર ઇન્ડિયામાં સર્વિસ શરૂ કરી તે પ્રથમ દિવસથી તેમાં ખામીઓ હતી. બોઇંગ કંપની તેના 787 પ્રકારના વિમાન સંબંધિત સલામતી ચિંતાઓને વિશ્વસ્તરે ધ્યાનમાં લેતી નહોતી.
યુએસ સેનેટમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ રજૂ કરાયેલા એક પ્રેઝન્ટેશનમાં FASએ જણાવ્યું હતું કે તેણે વિમાનની જાળવણી અને ખામીના રેકોર્ડ્સનું વિશ્લેષણ કર્યું છે, જેમાં વિમાન સાથે જોડાયેલી ટેકનીકલ સમસ્યાઓનો લાંબો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. આ સમસ્યાઓમાં ઇલેક્ટ્રોનિક અને સોફ્ટવેર ખામીઓ, સર્કિટ બ્રેકર્સનું વારંવાર ટ્રિપ થવું, વાયરિંગને નુકસાન, શોર્ટ સર્કિટ, વીજ પુરવઠા અચાનક ખોરવાઈ જવો, તેમજ પાવર સીસ્ટમ કમ્પોનન્ટ્સ વધુ પડતા ગરમ થવા જેવી બાબતોનો સમાવેશ છે. સંસ્થાનો દાવો છે કે આવી નિષ્ફળતાઓ વિમાનની 11 વર્ષની સેવા દરમિયાન ગંભીર કામગીરી અને સલામતીના જોખમો ઊભા કરતી રહી છે. ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, તેણે બોઇંગ 787 સંબંધિત 2,000થી વધુ વિમાન સીસ્ટમ ફેઇલ્યોરના રીપોર્ટ્સનું વિશ્લેષણ કર્યું હતું.
ફાઉન્ડેશનનો દાવો છે કે તેની પાસે રહેલા ડોક્યુમેન્ટ્સ દર્શાવે છે કે, 1 ફેબ્રુઆરી, 2014ના રોજ વિમાન ભારત પહોંચ્યું ત્યારથી જ સીસ્ટમમાં ખામીઓ શરૂ થઈ ગઈ હતી અને દુર્ઘટના બની ત્યાં સુધી ચાલુ રહી હતી. ઉદાહરણ તરીકે, FASએ આરોપ મૂક્યો છે કે જાન્યુઆરી 2022માં P100 પ્રાથમિક પાવર પેનલમાં આગ લાગી હતી, જેના કારણે L2 બસ ટાઇ બ્રેકર અને આસપાસના વાયરિંગને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનને કારણે આખી પાવર પેનલ બદલવી પડી હોવાનું જણાવાયું છે. આ આરોપો અંગે પ્રતિભાવ માંગતા, બોઇંગે કહ્યું કે તે ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના રિપોર્ટ પર આધારિત રહેશે.

LEAVE A REPLY