એર ઇન્ડિયાની પેટાકંપની એર એશિયાના કર્મચારીએ આગમનમાં કથિત વિલંબ બદલ કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતને ફ્લાઇટમાં ન બેસવા દેતા મોટો વિવાદ થયો હતો. આ ફ્લાઇટ તેમને લીધા વગર જ બેંગલુરુથી ઉપડી ગઈ હતી. આ ઘટના ગુરુવારે બની હતી. ગવર્નરની ઓફિસે પ્રોટોકોલના ભંગ અંગે ફરિયાદ નોંધાવતા એરલાઈને શુક્રવારે માફી માગી હતી.
રાજ્યપાલના પ્રોટોકોલ ઓફિસર એમ વેણુગોપાલે દાખલ કરેલી ફરિયાદમાં જણાવાયું હતું કે રાજ્યપાલ ગત ગુરુવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી AIX કનેક્ટ (એર એશિયા)ની બપોરે 2.05ની ફ્લાઇટમાં હૈદરાબાદ જવાના હતા. તેથી તેઓ બપોરે 1.10 વાગ્યે રાજભવનથી નીકળ્યા હતા અને બપોરે 1.35 વાગ્યે ટર્મિનલ-1ના વીઆઈપી લાઉન્જમાં પહોંચ્યા હતા. તે સમયે રાજ્યપાલનો સામાન પ્લેનમાં લોડ કરાયો હતો. રાજ્યપાલ બપોરે 2.06 વાગ્યે પ્લેનની સીડી પર પહોંચ્યા હતા. જોકે એર એશિયાના કર્મચારી આરિફે ગવર્નરને એમ કહીને પ્રવેશ નકાર્યો હતો કે તેમના આગમનમાં વિલંબ થયો છે. જોકે વિમાનનો દરવાજો હજુ પણ ખુલ્લો હતો. વધુમાં રાજ્યપાલને ન બેસવા દેવામાં આવ્યા પછી તેમનો સામા નીચે ઉતારવામાં આવ્યો હતો. તેમાં વધુ 10 મિનિટ વેડફાઈ હતી. તે સમયે પણ ગવર્નર વિમાનની સીડી નજીક ઊભા હતા અને વિમાનનો દરવાજો ખુલ્લો હતો. આમ છતાં ગવર્નરની અવગણના કરાઈ હતી અને ફ્લાઇટમાં જવાની મંજૂરી ન આપીને તેમનું અપમાન કરાયું હતું. આ પછી ગેહલોત વીઆઇપી લાઉન્જમાં પાછા આવ્યા હતા. ગવર્નરે હૈદરાબાદ પહોંચવા માટે 90 મિનિટ પછી બીજી ફ્લાઇટ પકડવી પડી હતી. એરલાઈને આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ચિંતાઓને દૂર કરવા માટે રાજ્યપાલના કાર્યાલયના સંપર્કમાં છે. આ ઘટનાની તપાસ થશે અને યોગ્ય પગલાં લેવાશે.

LEAVE A REPLY

eight − seven =