અમેરિકામાં હવે ફ્લાઇટ કેન્સલ થાય કે ફ્લાઇટના રૂટમાં ફેરફાર થાય તેવા સંજોગોમાં યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના નવા નિયમો હેઠળ એરલાઇન્સે ઓટોમેટિક રીફન્ડ ચૂકવી દેવાનું રહેશે. આ નવા નિયમોને કારણે અમેરિકામાં વિમાન પ્રવાસ મોંઘો બનવાની શક્યતા પણ છે.

બુધવારે જાહેર કરાયેલા નવા નિયમોમાં એવા સંજોગોનો પણ ઉલ્લેખ કરાયો છે કે જે સ્થિતિમાં પ્રવાસીઓ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટ્રાવેલ માટે રીફન્ડ મેળવવા માટે હકદાર છે. આ નિયમોનો હેતુ લોકો માટે રીફન્ડ મેળવવાનું સરળ બનાવવાનો અને એરલાઇન રીફન્ડ નીતિઓને વધુ સુસંગત બનાવવાનો છે. યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના કહેવા મુજબ 2022માં કોરોના મહામારી પરાકાષ્ઠાએ હતી તે વખતે એરલાઇન્સ અને બુકિંગ એજન્ટ્સ સામે રીફન્ડ નકારવા કે તેની ચૂકવણીમાં વિલંબ કરવા સંબંધિત ફરિયાદો વિમાન સેવાને લગતી કુલ ફરિયાદોના 87 ટકા જેટલી હતી.

ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પેટ બુટ્ટીગીગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રવાસીઓને એરલાઇન્સ પાસેથી પોતાના નાણાં કોઇપણ પ્રકારની અગવડ વિના જ પરત મેળવવાનો અધિકાર છે. નવા નિયમો અનુસાર ડોમેસ્ટિક ફ્લાઇટના કેસમાં ડીપાર્ચર કે એરાઇવલ ટાઇમમાં ત્રણ કલાકથી વધુ જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટના કેસમાં છ કલાકથી વધારે તફાવત હોય તો પ્રવાસીને તેની ટિકિટના અસલ ક્લાસથી લોઅર ક્લાસમાં ડાઉનગ્રેડ કરાય કે ડીપાર્ચર કે એરાઇવલ એરપોર્ટ બદલાય, કનેક્શનની સંખ્યા વધારવામાં આવે તો તેવી સ્થિતિમાં પણ પ્રવાસીઓ રીફન્ડ મેળવવા માટે હકદાર રહેશે.

પ્રવાસીની બેગ ખોવાઇ જાય અને ડોમેસ્ટિક ફ્લાઇટના એરાઇવલના 12 કલાકમાં તે ડિલિવર ન કરાય તો તેવા કિસ્સામાં પણ પ્રવાસીને ચેક્ડ બેગ ફી રીફન્ડ મળવાપાત્ર રહેશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની વાત કરીએ તો તેના માટે આ માપદંડ 15 થી 30 કલાકનો રહેશે. ઇન-ફ્લાઇટ વાઇફાઇ કે એન્ટટેઇનમેન્ટ જેવી કોઇ સર્વિસ માટે પ્રવાસીએ નાણાં ચૂકવ્યા હોય અને તેને સર્વિસ ન મળી હોય તો પણ રીફન્ડ મળશે.

LEAVE A REPLY

9 + six =