ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર (Photo by SAM NARIMAN PANTHAKY/AFP via Getty Images)

ગાંધીનગર ખાતેનું સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સોમવારે રથયાત્રાના દિવસે સવારે 10 વાગ્યાથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવશે. દર્શનાર્થીઓએ કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં અક્ષરધામ મંદિર 9મી એપ્રિલથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં ફરીથી ખોલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમવારથી ભક્તો દર્શનની સાથે વોટર શોનો પણ આંનદ માણી શકશે. કોરોનાને પગલે સરકારના આદેશ મુજબ રાજ્યભરના નાના મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થતાં સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરો ફરીથી ખોલવાની પરવાનગી માંગવામાં આવી હતી.

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન કોરોના મહામારી અંગેના સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મંદિર પરિસરમાં માસ્કની સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝેશન ફરજિયાત રહેશે.